Stock Market Boom Today: સેન્સેક્સમાં 900 પોઈન્ટનો તેજ ઉછાળો, 13 દિવસ બાદ ફરી 75,000 પાર, રોકાણકારોને 4 લાખ કરોડનો ફાયદો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Stock Market Boom Today: વૈશ્વિક શેરબજારોના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 13 દિવસ બાદ ફરી 75000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઉછળી 22752.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. મોર્નિંગ સેશનમાં આઈટી, બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર, રિયાલ્ટી, ટેક્નોલોજી, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. શેરબજારમાં મોટા ઉછાળા સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. 4 લાખ કરોડનો સુધારો જોવા મળ્યો છે.

શેરબજારમાં ફેબ્રુઆરીથી શરૂ થયેલી મંદીના માહોલ વચ્ચે અગાઉ 21 ફેબ્રુઆરી સુધી સેન્સેક્સ 75000નું લેવલ જાળવી શક્યો હતો. 21 ફેબ્રુઆરીના રોજ 75311.06 પર બંધ આપ્યા બાદ વોલેટિલિટી વધતાં 75000નું લેવલ ગુમાવ્યું હતું. ત્યારબાદ છેક આજે 13માં ટ્રેડિંગ સેશનમાં 900 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 75000ના લેવલે કારોબાર થઈ રહ્યો છે.

- Advertisement -

800થી વધુ પોઈન્ટનો ઉછાળો

સેન્સેક્સ 500 પોઈન્ટના સુધારે ખૂલ્યા બાદ 800થી વધુ પોઈન્ટ ઉછળી 75001.46ની સપાટીએ પહોંચ્યો હતો. જે 10.21 વાગ્યે 799.07 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં આજે ઝોમેટો 3.24 ટકાના ઉછાળા સાથે ટોપ ગેનર તરીકે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને બજાજ ફિનસર્વ નજીવા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.

ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના રિટેલ સેલ્સના સકારાત્મક આંકડાઓએ વૈશ્વિક શેરબજારમાં સુધારાને ટેકો આપ્યો હતો. ફેડ રિઝર્વે પોતાની માર્ચ FOMC બેઠક આ મંગળવાર અને બુધવારે યોજાશે. જેમાં તે વ્યાજના દરો 4.25 -4.50 ટકાના દરે જાળવી રાખે તેવી શક્યતાઓ નિષ્ણાતો આપી રહ્યા છે. ચીનમાં પણ રિટેલ વેચાણ વધ્યા છે. પરિણામે વૈશ્વિક સ્તરે ઈકોનોમી પોઝિટિવ રહેવાનો સંકેત મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ સકારાત્મક પરિબળો અને ટેક્નિકલી મોટા કરેક્શન બાદ નીચા મથાળે ખરીદી વધી છે. એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈ મજબૂતપણે બાયિંગ વેલ્યૂ વધારી રહ્યા છે.

માર્કેટ નિષ્ણાતના મતે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થતાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. જો કે, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓના કારણે નજીકના ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી જળવાઈ રહેશે.

Share This Article