Stock Market Closing Bell: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતીય શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા છે. આજે સેન્સેક્સ ઈન્ટ્રા ડે 975.12 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 609.86 પોઈન્ટના ઉછાળા સાથે 74340.09 પર બંધ રહ્યો હતો. સાર્વત્રિક સુધારાના પગલે રોકાણકારોની મૂડી આજે રૂ. 4.21 લાખ કરોડ વધી છે.
નિફ્ટીએ 22500નું લેવલ પાછું મેળવ્યું
રિલાયન્સ, એશિયન પેઈન્ટ, એનટીપીસી, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં 5 ટકા સુધી ઉછાળો નોંધાતાં નિફ્ટીએ ફરી પાછી અતિ મહત્ત્વની 22500ની સપાટી પાછી મેળવી છે. આજે 207.40 પોઈન્ટ ઉછળી નિફ્ટી 22544.70 પર બંધ રહ્યો હતો.
ટેલિકોમ અને રિયાલ્ટી સિવાય તમામ શેર ગ્રીન ઝોનમાં
બીએસઈ ખાતે આજે ટેલિકોમ અને રિયાલ્ટી સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. રિયાલ્ટી 0.42 ટકા અને ટેલિકોમ 0.27 ટકા ઘટાડે બંધ રહ્યા હતા. જ્યારે સ્મોલકેપ, મીડકેપ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ 2 ટકા સુધી ઉછળ્યા હતા. એનર્જી ઈન્ડેક્સ પણ 2.78 ટકા ઉછાળે બંધ રહ્યો હતો.
રિલાયન્સ સહિત એનર્જી શેરમાં તેજી
OPEC+એ ધીમે ધીમે તેના સ્વૈચ્છિક ઉત્પાદન કાપની મર્યાદા દૂર કરવાની જાહેરાત કરતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ક્રૂડ ઓઈલ ઉત્પાદકો આગામી બે વર્ષમાં 2.2 મિલિયન બેરલ પ્રતિ દિવસ (mbpd) પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે 2022 થી લાદવામાં આવેલા 5.9 mbpd કાપના 38 ટકા છે. આ જાહેરાતના પગલે છેલ્લા ચાર સેશનમાં બ્રેન્ટ ક્રૂડ 6.5 ટકા ઘટ્યું હતું, જે ડિસેમ્બર 2021 પછીના તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું, જ્યારે WTI 5.8 ટકા ઘટ્યું હતું, જે મે 2023 પછીના તેના સૌથી વધુ ઘટાડો દર્શાવે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતીય ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના શેર આજે ઉછળ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર 2.96 ટકા સુધર્યો છે. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલ, બીપીસીએલ, આઈજીએલના શેર 4 ટકા સુધી ઉછાળે બંધ રહ્યા છે. બીએસઈ એનર્જી પેકમાં સામેલ શેર 12 ટકા સુધી વધતાં ઈન્ડેક્સ 2.78 ટકા ઉછાળે બંધ રહ્યો હતો.