Stock Market Down: શેરબજારમાં સળંગ સાત દિવસની તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 973.65 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 728.69 પોઈન્ટ તૂટી 77288.50 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં આજે વધુ રૂ. 3.42 લાખ કરોડનું ગાબડું નોંધાયુ હતું.
નિફ્ટીએ 23500નું ટેકાનું લેવલ તોડ્યું
એનએસઈ નિફ્ટી આજે 23700ના સ્તરે ખૂલ્યા બાદ 300 પોઈન્ટ સુધી તૂટ્યો હતો. જે અંતે 181.80 પોઈન્ટના કડાકે 23486.85 પર બંધ રહ્યો હતો. એનએસઈ ખાતે આજે 187 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. નિફ્ટીએ 23500ની અંદર બંધ આપતાં રોકાણકારોમાં અનિશ્ચિતતાઓના વાદળો વધ્યા છે.
414 લોઅર સર્કિટ 157 અપર સર્કિટ
બીએસઈ ખાતે આજે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. કુલ ટ્રેડેડ 4143 શેર પૈકી 919 શેર સુધારા તરફી અને 3115 શેર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એકંદરે વેચવાલીના માહોલ વચ્ચે 281 શેર વર્ષના તળિયે પહોંચ્યો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં કેપિટલ ગુડ્સ 0.05 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. બેન્કેક્સ 1.08 ટકા, પીએસયુ 1.35 ટકા, એનર્જી 1.29 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.52 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
અમેરિકા દ્વારા બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવા મુદ્દે હજી સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી. જેના લીધે રોકાણકારો પ્રોફિટ બુક કરતા જોવા મળ્યા છે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે, બીજી એપ્રિલે લિબરેશન ડે હોવાથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની તારીખ પાછળ ઠેલવવામાં આવી શકે છે. તેમજ અમુક સુધારા વધારા લાગુ કરે તેવા સંકેતો પણ જોવા મળી શકે છે.