Stock Market Today: વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે ભારતીય શેરબજાર સળંગ ચોથા દિવસે સુધર્યા છે. ફેડ રિઝર્વે પણ વ્યાજના દરો જાળવી રાખતા આગામી સમયમાં બે વખત રેટ કટ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના પગલે સેન્સેક્સ આજે 450થી વધુ પોઇન્ટના ઉછાળે ખુલ્યા બાદ 564.77 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો. આ સાથે સેન્સેક્સે 18 ટ્રેડિંગ સેશનના લાંબા સમય બાદ 76013.82નું લેવલ ક્રોસ કર્યું છે.
નિફ્ટી પણ 23000નું લેવલ ક્રોસ કરી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. 10.28 વાગ્યે 132.55 પોઇન્ટના ઉછાળે 23040.15 પર કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે આજે 38 શેર ગ્રીન ઝોનમાં અને 12 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં. બૅન્ક નિફ્ટી પણ 177.70 પોઇન્ટના ઉછાળે ટ્રેડેડ હતું.
અમેરિકાની ફેડ રિઝર્વે ગઈકાલે વ્યાજના દરો જાળવી રાખતા વર્ષ 2025માં બે વખત વ્યાજના દરોમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. જો કે, તે હજી આર્થિક સ્થિરતા અને ફુગાવાના જોખમનું આકલન કાઢવા માગે છે. ત્યારબાદ રેટ કટ કરશે. ફેડ રિઝર્વના આ નિવેદન સાથે અમેરિકી શેરબજારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ડાઉ જોન્સ 383.32 પોઇન્ટ અને નાસડેક 246.67 પોઇન્ટ ઉછળ્યો હતો. ચીને પણ વ્યાજ દર યથાવત્ રાખતાં એશિયન બજારોમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
આઇટી શેર્સમાં ઉછાળો
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી અફરાતફરીનો માહોલ જોવા મળેલા આઇટી અને ટૅક્નોલૉજી ઇન્ડેક્સ આજે સુધર્યા છે. બંને ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. આ ઉછાળા પાછળનું કારણ વ્હાઇટ હાઉસ તરફથી રેસિપ્રોકલ ટેરિફ મુદ્દે આપવામાં આવેલી સ્પષ્ટતા છે. ટ્રમ્પે કહ્યું છે કે, જે દેશો ટેરિફ મુદ્દે વાટાઘાટ કરવા માગતા હોય અને ટેરિફ ઘટાડવા માટે તૈયાર હોય તેમના પર રેસિપ્રોકલ ટેરિફ લાદીશું નહીં. તેમજ હજુ સુધી આ ડ્યુટી કેવી રીતે અમલમાં મૂકવી તેની સ્પષ્ટતા થઈ નથી. જેથી ટ્રમ્પે અગાઉ કેનેડા, મેક્સિકો પર ટેરિફ નીતિ લાગુ કરવામાં જેમ વિલંબ દર્શાવ્યો છે, તેવો વિલંબ રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણમાં થઈ શકે છે.