Stock Market Today: વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો અને વૈશ્વિક શેરબજારો ઉછળા તરફી નોંધાતા ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શુભ શરુઆત થઈ છે. સેન્સેક્સ 2 પોઇન્ટના નજીવા સુધારે ખૂલ્યા બાદ 547 પોઇન્ટ ઉછળી 74376.35 થયો હતો. Nifty50 મોર્નિંગ સેશનમાં 22577ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકની 19 સ્ક્રિપ્સ 3 ટકા સુધી ઉછાળા સાથે અને 11 સ્ક્રિપ્સ 1.28 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી હતી.
10.33 વાગ્યે સેન્સેક્સ 296.36 પોઇન્ટ ઉછળી 74125.27 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 81 પોઇન્ટના ઉછાળે 22478.20 પર ટ્રેડેડ હતો. ટ્રમ્પની ટેરિફ નીતિના અમલીકરણમાં બેકફૂટ તેમજ યુરોપ-યુક્રેન વોર સહિતના જિઓ-પોલિટિકલ ક્રાઇસિસમાં રાહતની અસર શેરબજાર પર થઈ છે. બીજી તરફ અમેરિકા અને ભારતમાં ફુગાવામાં રાહતના કારણે વ્યાજના દરો ઘટવાની શક્યતા વધી છે. જે માર્કેટને ટેકો આપી રહ્યા છે.
અમેરિકામાં આર્થિક મંદીના અહેવાલો વચ્ચે કડાકાભેર તૂટ્યા બાદ શુક્રવારે ડાઉ જોન્સ 674.63 પોઇન્ટ રિકવર થયો હતો. નાસડેક પણ ઉછળ્યો હતો. ચીનના રિટેલ વેચાણો વધ્યા હોવાના અહેવાલ વચ્ચે એશિયન બજારો પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
સ્ટોક સ્પેસિફિક મંદી?
બીએસઈ ખાતે મોર્નિંગ સેશનમાં કુલ ટ્રેડેડ 3901 શેર પૈકી 2033 સુધારા તરફી અને 1647 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જો કે, સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો હજુ કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. 238 શેર વર્ષના તળિયે અને 230 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 67 શેર વર્ષની ટોચે અને 165 શેરમાં અપર સર્કિટ નોંધાઈ હતી. આઇટી, પીએસયુ અને એનર્જી શેર્સ ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.
RBIના સ્ટેટમેન્ટ બાદ બૅન્કનો શેર સુધર્યો
આરબીઆઇએ ઇન્ડસઇન્ડ બૅન્કની હિસાબમાં ગોટાળાની જાહેરાત બાદ સ્પષ્ટતા આપી હતી કે, બેન્કની નાણાકીય સ્થિતિ મજબૂત છે. જેના પગલે આજે ઇન્ડસઇન્ડ બૅન્કનો શેર 3 ટકાથી વધુ સુધર્યો હતો. તેના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં ગરબડની જાહેરાત બાદ શેર ચાર દિવસમાં 26 ટકા સુધી તૂટ્યો હતો.