Tariffs to Impact Economy: જો યુએસ ૨ એપ્રિલે જાહેર કરાયેલ પારસ્પરિક ટેરિફ લાદશે તો આગામી બે વર્ષમાં ભારત, ચીન અને જાપાન જેવી મુખ્ય એશિયા-પેસિફિક અર્થવ્યવસ્થાના વિકાસને ૦.૨-૦.૪ ટકા પોઇન્ટનો ફટકો પડી શકે છે તેમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું હતું.
રેટિંગ્સ એજન્સીએ જણાવ્યું હતું કે ટેરિફ અને તેના અમલીકરણની યુએસની ધમકી વૈશ્વિક વેપાર અને વિશ્વાસને સીધી એસર કરશે. યુ.એસ. અને ચીન પર પ્રદેશની નિકાસ નિર્ભરતાને કારણે ઉત્પાદકો અને નાની અર્થવ્યવસ્થાઓ ખાસ કરીને પ્રભાવિત થશે.
ભારત માટે, એસએન્ડપીએ માર્ચમાં ૨૦૨૫ અને ૨૦૨૬ માટે અનુક્રમે ૬.૫% અને ૬.૮% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. પરંતુ જો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ પારસ્પરિક ટેરિફ અમલમાં આવે, તો એસએન્ડપી અનુમાન કરે છે કે આ વૃદ્ધિ દરો ઘટીને અનુક્રમે ૬.૩% અને ૬.૫% થઈ જશે.
ટ્રમ્પે ૯ એપ્રિલના રોજ ચીન સિવાયના દેશો પર ટેરિફ લાદવાનું ત્રણ મહિના માટે મુલતવી રાખ્યું હતું. જો કે, યુએસમાં નિકાસ પર ૧૦% વધારાની ડયુટી, જે ૨ એપ્રિલે જાહેર કરવામાં આવી હતી, તે હજુ પણ ચાલુ છે. જો ૨ એપ્રિલે જાહેર કરાયેલા ટેરિફનો સંપૂર્ણ અમલ થાય છે, તો ચીન, જાપાન અને ભારત જેવા મુખ્ય એશિયા-પેસિફિક અર્થતંત્રોમાં આગામી બે વર્ષમાં ૦.૨-૦.૪ ટકા પોઈન્ટ્સનો વૃદ્ધિદર ઘટશે. વિયેતનામ, થાઈલેન્ડ અને તાઈવાનને સૌથી મોટો સીધો ફટકો પડશે.
એશિયા-પેસિફિકમાં ધિરાણની સ્થિતિ નકારાત્મક રહેશે કારણ કે ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેનો વેપાર સંઘર્ષ પ્રદેશના વિકાસ અને વિશ્વાસ પર ભાર મૂકે છે. નવા રોકાણો અટકી રહ્યા છે અને સ્થાનિક સેન્ટિમેન્ટ બગડી રહ્યા હોવાથી બિઝનેસનો વિશ્વાસ વધુ ઘટશે. વધુમાં, ઇક્વિટી અને ડેટ માર્કેટમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે.
જો ૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જાહેર કરાયેલ ટેરિફ ચીન સિવાયના દેશો પર ફરીથી લાદવામાં આવશે, તો ભૌગોલિક રાજકીય અને આર્થિક પ્રભાવો ગંભીર હશે. જો ચીન-યુએસ સંબંધો વધુ બગડશે, તો તે વિશ્વાસને વધુ નબળો પાડશે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ અને વેપાર પ્રવાહને ગંભીર રીતે વિક્ષેપિત કરશે. આ ઘટનાઓ તીવ્ર વૈશ્વિક મંદીનું કારણ બની શકે છે.