Tariffs will impact India economy: નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં, ભારતના અર્થતંત્રના વિકાસના દ્રષ્ટિકોણમાં પડકારો દેખાઈ રહ્યા છે. જે ટેરિફ, વેપારની અનિશ્ચિતતા અને વધતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે છે. જોકે, અર્થશાસ્ત્રીઓની દલીલ છે કે આંતરિક મજબૂતાઈ અને ઘટતા ફુગાવાના કારણે ભારત સારી સ્થિતિમાં રહેશે.
નાણા મંત્રાલયે ગત સપ્તાહે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ ટેરિફમાં અનિયંત્રિત વધારાને કારણે વૃદ્ધિ પર અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે ૨ એપ્રિલથી ટ્રેડિંગ પાર્ટનર્સ પર વળતો ટેરિફ લાદવાની ધમકી આપી છે. આ ક્રમમાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ પર ભારે ડયૂટી લાદવામાં આવી છે.
અર્થશાસ્ત્રીઓના મતે ઘણી બાબતો હજુ સુધી જાણી શકાઈ નથી. અમને ખબર નથી કે આ જોખમો કયા સ્વરૂપમાં પ્રગટ થશે. મ્યુચ્યુઅલ ટેરિફની કેવા પ્રકારની અસર થશે તેનો અંદાજ નથી પરંતુ તે વૈશ્વિક વૃદ્ધિને અસર કરી શકે છે. વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો થવાની સંભાવના છે. ભારતીય અર્થવ્યવસ્થા પર ૫ થી ૧૦ બેસિસ પોઈન્ટ્સની અસર થઈ શકે છે પરંતુ અન્ય અસરો ઘણી વધારે હોઈ શકે છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે આવનારા સમયમાં બિઝનેસની અનિશ્ચિતતા ઓછી થશે અને તેનાથી રોકાણકારોને વધુ સ્પષ્ટતા પણ મળી શકે છે. ઘણા નિષ્ણાતોનો અંદાજ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ધીમી વૃદ્ધિને કારણે આગામી નાણાકીય વર્ષ દરમિયાન એકંદર વૃદ્ધિમાં તેજી આવી શકે છે. ફુગાવાના દબાણમાં ઘટાડો અને સ્થાનિક વપરાશની માંગમાં વધારો પણ આ વૃદ્ધિને વધારવામાં મદદ કરશે.
આ ઊપરાંત નીચા ફુગાવા, રેન્જ-બાઉન્ડ વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ, સરકારી કર પ્રોત્સાહનો, નીચા ધિરાણ દરો, વધારાની પ્રવાહિતા અને વધુ સ્થિર વૈશ્વિક વાતાવરણને કારણે આ વર્ષના અંત સુધી સેન્ટિમેન્ટ મજબૂત રહેવાની ધારણા છે.