Tata Capital IPO: ટાટા ગ્રુપની વધુ એક કંપની ટૂંક સમયમાં શેરબજારમાં પ્રવેશવા જઈ રહી છે. ટાટા કેપિટલે જણાવ્યું હતું કે તેના બોર્ડે કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની યોજનાને મંજૂરી આપી છે. આ IPOમાં કંપની 23 કરોડ નવા શેર વેચાણ માટે મૂકશે. આ માટે, કંપનીના વર્તમાન શેરધારકો પણ તેમના કેટલાક શેર વેચાણ માટે મૂકશે. આ સિવાય બોર્ડે કંપનીના હાલના શેરધારકોને રાઇટ્સ આધારે રૂ. 1,504 કરોડ સુધીના શેર ઇશ્યૂ કરવાનો નિર્ણય લીધો છે.
વર્ષ 2023માં ટાટા ટેક્નોલોજીના બમ્પર લિસ્ટિંગ પછી ટાટા ગ્રૂપની કોઈપણ કંપનીનો આ પહેલો આઈપીઓ હશે. અગાઉ 24 ડિસેમ્બરે મનીકંટ્રોલે સૌપ્રથમવાર એક અહેવાલમાં જણાવ્યું હતું કે ટાટા કેપિટલે રૂ. 15,000 કરોડથી વધુનો જંગી IPO લાવવાની યોજના પર કામ શરૂ કર્યું છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ આ IPO માટે સલાહકાર તરીકે સિરિલ અમરચંદ મંગલદાસ અને કોટક મહિન્દ્રા કેપિટલને હાયર કર્યા છે.
વાસ્તવમાં આરબીઆઈના એક નિયમને કારણે ટાટા કેપિટલને તેનો આઈપીઓ લોન્ચ કરવો પડ્યો છે. RBIએ ટાટા કેપિટલને તેની ‘અપર લેયર’ NBFC કંપનીઓની યાદીમાં સામેલ કરી છે. આ યાદીમાં સમાવિષ્ટ કંપનીઓએ સમાવેશ થયાની તારીખથી 3 વર્ષની અંદર સ્ટોક એક્સચેન્જમાં પોતાની જાતને ફરજિયાતપણે સૂચિબદ્ધ કરવાની રહેશે. આ નિયમ હેઠળ, ટાટા કેપિટલ પાસે સપ્ટેમ્બર 2025 સુધી સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થવાનો સમય છે.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સે આ નિયમને કારણે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરે પોતાને લિસ્ટ કરાવવું પડ્યું હતું. કંપનીનું લિસ્ટિંગ ખૂબ જ અદભૂત હતું અને તેણે પહેલા જ દિવસે રોકાણકારોને 135 ટકાનો બમ્પર નફો કર્યો હતો. લિસ્ટિંગના દિવસે શેરમાં અપર સર્કિટ લાગી હતી.
ટાટા કેપિટલ એ નોન-બેંકિંગ નાણાકીય સેવાઓ (એનબીએફસી) કંપની છે અને તે ટાટા સન્સની પેટાકંપની છે, જે ટાટા જૂથની મુખ્ય રોકાણ હોલ્ડિંગ કંપની છે. ક્રિસિલ રેટિંગ્સ દ્વારા સપ્ટેમ્બરના અહેવાલ મુજબ 31 માર્ચ, 2024 સુધીમાં, ટાટા કેપિટલની અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (AUM) રૂ. 158,479 કરોડ હતી. ટાટા સન્સ પાસે ટાટા કેપિટલ લિમિટેડના 92.83 ટકા ઇક્વિટી શેર સીધા હતા, જ્યારે બાકીનો મોટા ભાગનો હિસ્સો ટાટા ગ્રૂપની અન્ય કંપનીઓ અને ટ્રસ્ટો પાસે હતો.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.