UltraTech Cement Dividend: દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની અલ્ટ્રાટેકે ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં નફાની, કમાણીની અને EBITDA વિશેની માહિતી આપી છે. અલ્ટ્રાટેક સિમેન્ટે માર્ચ ક્વાર્ટર (Q4FY25)ના પરિણામોમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
જલ્દી જ જાહેર કરશે તારીખ
અલ્ટ્રાટેકે રોકાણકારોને ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. 10 રૂપિયાના ફેસ વેલ્યુ પર રોકાણકારોને પ્રતિ શેર 77.5 રૂપિયા એટલે કે 775% ડિવિડન્ડ મળશે. ફાઇલિંગમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની AGM (એન્યુઅલ જનરલ મીટિંગ) અને રેકોર્ડ તારીખ અલગથી જાહેર કરશે. કંપનીના સ્ટોક રિટર્ન પર નજર કરીએ તો, કંપનીએ 1 અઠવાડિયામાં 1.51 ટકા, 1 મહિનામાં 5.25 ટકા, 3 મહિનામાં 7.24 ટકા, 1 વર્ષમાં 24.88 ટકા અને 3 વર્ષમાં 83.08 ટકાનો નફો કર્યો છે.
જણાવી દઈએ કે, અલ્ટ્રાટેક કંપનીએ અત્યાર સુધીમાં રોકાણકારોને 17 વખત ડિવિડન્ડ આપ્યું છે. જો આપણે કંપનીના હિસ્સાની વાત કરીએ તો, પ્રમોટરો પાસે 59.23 ટકા, સ્થાનિક રોકાણકારો પાસે 16.85 ટકા, વિદેશી રોકાણકારો પાસે 15.71 ટકા, રીટેલ રોકાણકારો પાસે 5.37 ટકા અને અન્ય રોકાણકારો પાસે 2.84 ટકાનો હિસ્સો છે.
કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક 10 ટકાનો વધારો
કંપનીએ માર્ચ 2025ના ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે 2482 કરોડ રૂપિયા જેટલો હતો. કંપનીનો રેવન્યુ 13 ટકા વધીને 23,063 કરોડ રૂપિયા થઈ ગયો. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે 14 ટકા વધીને રૂ. 22,788 કરોડ થયું છે.