US Stock Market Crash: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. જેના કારણે આર્થિક મંદીના અણસાર છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજારમાં ગભરાટનો માહોલ હતો અને ડાઉ જોન્સથી લઈને એસએન્ડપી ઇન્ડેક્સ ખરાબ રીતે તૂટ્યા હતા. નેસડેક 4% ઘટ્યો હતો. અમેરિકી બજારમાં કડાકાની અસર મંગળવારે ખુલતાની સાથે જ એશિયન બજારોમાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે અમેરિકન શેરબજારોમાં 2 વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે.
બજારમાં 2 વર્ષ પછી સૌથી મોટો કડાકો જોવા મળ્યો
અમેરિકાના શેરબજારોમાં છેલ્લા ટ્રેડિંગ દિવસે, ટેસ્લા શેર્સ (ટેસ્લા શેર 15% ડાઉન) સહિત ઘણી મોટી વૈશ્વિક કંપનીઓના શેર્સ તૂટ્યા હતા. જયારે ડાઉ જોન્સની સ્થિતિ ખરાબ હતી, ટ્રેડિંગ દરમિયાન તેમાં 1100 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, અને 2.08%ના ઘટાડા સાથે 41,911.71 પર બંધ થયો હતો.
S&P-500 માં પણ ડાઉ જોન્સ જેવી જ સ્થિતિ જોવા મળી હતી અને તે 155.64 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે નેસડેક 4% ઘટીને 17,468.32 પર બંધ થયો, સપ્ટેમ્બર 2022 પછી આ ઇન્ડેક્સમાં આ સૌથી મોટો ઘટાડો છે.
એશિયન બજારોમાં પણ અસર જોવા મળી
અમેરિકન બજારોમાં આવેલી મંદીની અસર મંગળવારે એશિયન બજારો પર પણ જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ખુલતાની સાથે જ લગભગ 2% ઘટ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ પણ 2%થી વધુના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય હોંગકોંગનો હેંગસેંગમાં પણ આની અસર દેખાઈ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની અસર માર્કેટ પર દેખાઈ રહી છે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે દુનિયામાં હલચલ મચાવી દીધી છે અને દુનિયામાં ટ્રેડ વોર શરૂ કરી દીધી છે. એક તરફ અમેરિકા ઘણા દેશો પર ટેરિફ લાદી રહ્યું છે તો બીજી તરફ અન્ય દેશો પણ અમેરિકા સામે વળતો પ્રહાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશમાં મોંઘવારીનો ખતરો દેખાઈ રહ્યો છે. આ સિવાય યુએસ ફુગાવાનો ડેટા 12 માર્ચે રિલીઝ થવા જઈ રહ્યો છે અને બીજા દિવસે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ (PPI) જાહેર કરવામાં આવશે. એકંદરે, ટેરિફ, ફુગાવો અને વૈશ્વિક મંદીનો ભય બજાર પર વર્ચસ્વ ધરાવતો જણાય છે.
ભારતીય બજાર પર પણ અસર જોવા મળશે
અમેરિકનથી એશિયાઈ બજારોમાં આ હલચલની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી શકે છે. સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 22,552ની સરખામણીએ 22,521 પર ટ્રેડિંગ શરૂ કર્યું અને 217 પોઈન્ટના ઘટાડા સાથે 74,115.17 પર બંધ થયું. આ સિવાય NSE નિફ્ટી પણ 92.20 પોઈન્ટ ઘટીને 22,460 પર બંધ થયો હતો.