Australia Visa Restrictions: અમેરિકા, કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિઝાના નિયમોને આકરા બનાવ્યા છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરના છ રાજ્યોમાંથી અરજી કરતાં અરજદારો માટે નિયમો આકરા બનાવતાં અમુક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. આ રાજ્યોમાંથી સ્ટુડન્ટ વિઝાની આડમાં છેતરપિંડી કરનારાઓની સંખ્યામાં વધારો થતા ઓસ્ટ્રેલિયન ઈમિગ્રેશને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. ઓથોરિટીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આ રાજ્યોમાંથી લોકો સ્ટુડન્ટ વિઝા મારફત શૈક્ષણિક લક્ષ્યો પૂર્ણ કરવાના બદલે કાયમી નિવાસના માર્ગ તરીકે દુરૂપયોગ કરી રહ્યા છે.
ઘણી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. કેટલીક યુનિવર્સિટીએ આ પ્રદેશોમાંથી અરજીઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જ્યારે અન્યોએ વધુ કડક તપાસ અને ચકાસણી પ્રક્રિયાઓ શરૂ કરી છે. ઈમિગ્રેશન ઓફિસરે જણાવ્યું હતું કે, અપ્રમાણિક અરજીઓનો ધસારો ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓની પ્રતિષ્ઠા અને અખંડિતતા માટે જોખમ સમાન છે. જેને સંબોધવા માટે, યુનિવર્સિટીઓ ફક્ત કાયદેસર અને પ્રમાણિક વિદ્યાર્થીઓને જ વિઝા મળે તે સુનિશ્ચિત કરવા માટે ઇમિગ્રેશન અધિકારીઓ સાથે સહયોગ કરી રહી છે. જો કે, આ નિર્ણયથી વાસ્તવમાં અભ્યાસ અર્થે અરજી કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં હતાશા ફેલાઈ છે.