Bar Council of India: બાર એક્ઝામ પેપરમાં 7 વિસંગત પ્રશ્નો, અનેક ઉમેદવાર નાપાસ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Bar Council of India: વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે ફરજિયાત પરિક્ષા પાસ કરવી પડે છે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા થોડા સમય પહેલાં લેવાયેલી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામમાં સાત પ્રશ્નોના જવાબોમાં ભારે વિસંગતતા સામે આવતાં 100 માર્કસના બદલે 93 માર્કસનું પેપર ગણવામાં આવ્યું હતું.  તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં પહેલીવાર આવી ગંભીર ચૂક સામે આવતાં ગુજરાતના ઘણાં ઉમેદવારો (એનરોલ થયેલા લો સ્ટુડન્ટસ) એક-બે માર્કસના કારણે નાપાસ થયા છે, જેઓએ હવે એક-બે માર્કસના ગ્રેસીંગ આપી તેઓને પાસ કરવા ગુજરાત બાર કાઉન્સીલ સમક્ષ માંગણી કરી છે.

ગુજરાતના વકીલ ઉમેદવારોના હિતમાં ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આ સમગ્ર મામલે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરશે. છેલ્લા 15 વર્ષથી લેવાતી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં આ પ્રકારની ગંભીર ચૂક સૌપ્રથમવાર સામે આવી હતી, જેની સીધી અસર ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓના પરિણામ પર પડી હતી, જેને લઈ વકીલ ઉમેદવારોમાં ભારે નારાજગીની લાગણી પણ પ્રવર્તી છે. આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, ‘વકીલાતની પ્રેક્ટિસ માટે ફરજિયાત લેવાતી 19મી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ બીસીઆઈ દ્વારા લેવાઈ હતી. જેમાં 100 માર્કસનું પેપર હોય છે અને તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ પાસ થવા માટે 45 માર્કસ લાવવાના હોય છે. જ્યારે એસસી-એસટી ઉમેદવારોને 40 માર્કસ લાવવાના હોય છે. આ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરાયું હતું.

- Advertisement -

તેમણે જણાવ્યું હતું કે, ‘જો કે, પરિણામ જાહેર થતાં વાત સામે આવી હતી કે, સાત પ્રશ્નોના જવાબોમાં ભારે વિસંગતતા જોવા મળી હતી. જેને પગલે બાર કાઉન્સીલ દ્વારા આ સાત પ્રશ્નો રદ કરી 100 માર્કસના બદલે 93 માર્કસનું પેપર ગણ્યું હતું અને તે મુજબ, જનરલ કેટગેરીના ઉમેદવારોને 45ના બદલે 42 માર્કસ લાવવાના થતા હતા, તો, એસસી-એસટી ઉમેદવારોને 40ના બદલે 37 માર્કસ લાવવાના થતા હતા. જો કે, ઉપરોકત ચૂક અને ફેરફારના કારણે ઘણા વકીલ ઉમેદવારો એવા હતા કે, જેઓ માત્ર એક-બે માર્કસના કારણે નાપાસ થયા હતા, જેને લઈ તેઓ ભારે હતાશ થઈ ગયા હતા. તેમણે ગુજરાત બાર કાઉન્સીલ સમક્ષ રજૂઆત કરી હતી કે, પ્રશ્નોના જવાબની વિસંગતતામાં ઉમેદવારોનો કોઈ વાંક નથી. આ ચૂક માટે તેઓ જવાબદાર ના હોઈ તેમના પરિણામ પર તેની અસર આપી શકાય નહીં.’

અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, ‘ઉમેદવારોએ આ સમગ્ર મામલે પુનઃવિચાર કરી તેઓને એક-બે માર્કસના ગ્રેસીંગ આપી પાસ કરવા બાર કાઉન્સીલને અનુરોધ કર્યો છે. ઉમેદવારોની આ રજૂઆતને પગલે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આગામી દિવસોમાં આ સમગ્ર મામલે બાર કાઉન્સીલને રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવાય તેવા પ્રયાસો કરશે.’

Share This Article