Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું, જેમાં તેમણે શિક્ષણ ક્ષેત્ર (એજ્યુકેશન સેક્ટર) માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, દેશમાં 10 હજાર મેડિકલ સીટો વધારવામાં આવશે. સરકારી શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 50 હજાર શાળાઓમાં અટલ લેબ ખોલવાની યોજના છે. ચાલો જાણી શિક્ષણ ક્ષેત્રે બીજી શું જાહેરાતો કરવામાં આવી છે.
નાણામંત્રીએ શું જાહેરાત કરી?
આ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડવામાં આવશે. 50 હજાર અટલ ટિંકરિંગ લેબ બનાવવામાં આવશે જેમાં કૌશલ્ય અભ્યાસક્રમો કરી શકાશે. IITની કેપેસિટી વધારશે અને 5 IITમાં વધારાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. તેમજ IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે.
મેડિકલ સીટો વધારવામાં આવશે
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે, આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 સીટો ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં મેડિકલની 75,000 સીટો વધુ વધારવામાં આવશે. હાલમાં દેશની મેડિકલ કોલેજોમાં કુલ 1,12,112 MBBS સીટો છે, જેમાં પ્રવેશ (એડમિશન) માટે દર વર્ષે NEET UG પરીક્ષા લેવામાં આવે છે. સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણમાં ભારતીય ભાષાઓના ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. આ સાથે જ નાણામંત્રીએ કહ્યું કે, નેશનલ સેન્ટર ફોર સ્કિલિંગ હેઠળ 5 નવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. આ સાથે શિક્ષણ માટે AI એક્સિલેન્સ કેન્દ્ર ખોલવામાં આવશે.