Canada Flagpoling: કેનેડાએ સત્તાવાર રીતે તેની સરહદ પર વર્ક અને સ્ટડી પરમિટ માટે ફ્લેગપોલિંગ સમાપ્ત કર્યું છે. આ રીતે હવે લોકો વર્ક પરમિટ અને સ્ટડી પરમિટ માટે સરહદ પાર કરી શકશે નહીં. કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) અનુસાર, દેશમાં અસ્થાયી નિવાસી દરજ્જો ધરાવતા વિદેશીઓએ (વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારો) ઈમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ને નવી ઓનલાઈન અરજી સબમિટ કરવી પડશે.
વાસ્તવમાં, પહેલા લોકો થોડા સમય માટે દેશની બહાર જતા હતા અને પાછા આવીને ઝડપથી પરમિટ મેળવતા હતા, આને ફ્લેગપોલિંગ કહેવામાં આવે છે. આમ કરવાથી ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી બનશે. કામચલાઉ રહેવાસીઓ દ્વારા લાંબા સમયથી ફ્લેગપોલિંગનો ઉપયોગ કામ અને અભ્યાસ પરમિટની પ્રક્રિયાના સમયને બાયપાસ કરવા માટે કરવામાં આવે છે. ફ્લેગ પોલિંગ હેઠળ લોકો અમેરિકા જતા હતા અને ત્યાં થોડો સમય વિતાવીને દેશમાં પાછા ફરતા હતા. આનાથી તેમને ઝડપથી પરમિટ મેળવવામાં મદદ મળતી હતી.
સરહદ પર સુરક્ષા વધશેઃ કેનેડા
કેનેડાની સરકારનું કહેવું છે કે ફ્લેગપોલિંગ બંધ કરવાથી સરહદ પરનો બોજ ઓછો થશે અને સુરક્ષામાં પણ વધારો થશે. પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડેવિડ મેકગિન્ટીએ કહ્યું, “આ ફેરફારથી બોર્ડર પર કામ કરવાનું સરળ બનશે. કેનેડિયન અને અમેરિકન બોર્ડર ઓફિસર હવે તે કામ કરી શકશે જેના માટે તેમને તાલીમ આપવામાં આવી હતી.” ફ્લેગપોલીંગને કારણે કેનેડા અને અમેરિકા બંનેની બોર્ડર સર્વિસ પર બોજ વધી રહ્યો હતો.
ફ્લેગપોલિંગ કેમ અટકાવવામાં આવ્યું?
એપ્રિલ 2023 અને માર્ચ 2024 ની વચ્ચે, CBSA એ 69,300 થી વધુ ફ્લેગપોલિંગ કેસોનું અવલોકન કર્યું. આમાંના મોટાભાગના પેસિફિક પ્રદેશ, દક્ષિણ ઑન્ટારિયો અને ક્વિબેકમાં હતા. CBSA એ કહ્યું છે કે બોર્ડર સર્વિસ કેનેડા આવતા લોકો માટે છે, પહેલાથી હાજર લોકો માટે નથી. ફ્લેગ પોલિંગને લઈને બોર્ડર પર ભીડ વધી રહી હતી અને તેના કારણે મહત્વના કામમાં વિલંબ થઈ રહ્યો હતો.
ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે જણાવ્યું હતું, “મજબૂત કેનેડા-યુએસ સંબંધો લોકો અને માલસામાનને સરહદ પાર સુરક્ષિત રીતે ખસેડવાની મંજૂરી આપે છે અને અમારી સરહદો સુરક્ષિત રહે છે,”તેમણે કહ્યું કે આ ફેરફારથી નિષ્પક્ષતા વધશે, સરહદ પર ભીડ ઓછી થશે અને કામગીરીમાં સુધારો થશે. કેનેડા-અમેરિકા સરહદને મજબૂત કરવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. સરકારે ડ્રોન, હેલિકોપ્ટર અને બોર્ડર સર્વેલન્સ માટે છ વર્ષમાં $1.3 બિલિયન ખર્ચ્યા છે.