Career Tips: 10મા બોર્ડના પરિણામો જાહેર થાય તે પહેલાં જ, વિદ્યાર્થીઓ ધોરણ 11 માટે યોગ્ય સ્ટ્રીમ પસંદ કરવાની તૈયારી શરૂ કરી દે છે. આ નિર્ણય સરળ નથી. કેટલાક વિદ્યાર્થીઓ તેમના પરિવારના દબાણને કારણે તેમની પસંદગીની સ્ટ્રીમમાં પ્રવેશ લે છે, જ્યારે કેટલાક મિત્રોના દબાણમાં આવી જાય છે. બોર્ડનું પરિણામ આવ્યા બાદ ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. તે પહેલાં તમારે 11મા ધોરણમાં યોગ્ય સ્ટ્રીમ પસંદ કરવા માટેની ટિપ્સ જાણવી જોઈએ.
ભારતમાં સામાન્ય રીતે ત્રણ મુખ્ય સ્ટ્રીમ છે: સાયન્સ, કોમર્સ અને આર્ટસ. કેટલીક સ્કૂલમાં હોમ સાયન્સ અને વોકેશનલ સ્ટડીનો વિકલ્પ પણ હોય છે. 11મા ધોરણમાં યોગ્ય સ્ટ્રીમ પસંદ કરવી એ એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. આ તમારી ભાવિ કારકિર્દીને આકાર આપશે. ધોરણ 11માં તમે કયા વિષયોનો અભ્યાસ કરશો તે તમારી પસંદ, સ્કિલ્સ અને ભવિષ્યના લક્ષ્યો પર આધાર રાખે છે.
તમને ક્યા વિષયમાં રસ છે?
સૌ પ્રથમ, સમજો કે તમને કયા વિષયોનો અભ્યાસ કરવામાં આનંદ આવે છે. જો તમને મેથ્સ, ફિઝીક્સ અથવા બાયોલોજીમાં રસ હોય તો સાયન્સ સ્ટ્રીમ તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે. જો તમને ઇકોનોમિક્સ, બિઝનેસ કે એકાઉન્ટિંગ ગમે છે તો કોમર્સ એક સારો વિકલ્પ બની શકે છે. જો તમને ઈતિહાસ, સાહિત્ય, ભાષા કે સમાજશાસ્ત્રમાં રસ હોય તો તમે આર્ટસ પસંદ કરી શકો છો. તમને કયા વિષયો ગમે છે તે તમારાથી વધુ સારી રીતે કોઈ સમજી નહીં શકે.
તમારી સ્કિલ્સ શું છે?
શું તમે મેથ્સ અને એનાલિટિક્સમાં સારા છો? શું તમારી ક્રિએતિવિટી અને રાઈટિંગ સ્કિલ્સ વધુ સારી છે? તમારી મજબૂત અને નબળા બાજુઓને સમજો. ઉદાહરણ તરીકે, સાયન્સ માટે મેથ્સ અને તાર્કિક વિચારસરણીની જરૂર છે, જ્યારે આર્ટસ માટે ક્રિએતિવિટી અને એનાલિટીકલ રાઈટિંગ જરૂરી છે. તમે ધોરણ 10સુધી જે વિષયો અથવા સ્કિલ્સમાં નિપુણતા મેળવી છે તેના આધારે પણ ધોરણ 11માં યોગ્ય સ્ટ્રીમ પસંદ કરી શકો છો. આ માટે, 10મા બોર્ડના પરિણામો જાહેર થાય તે પહેલાં કાળજીપૂર્વક નિર્ણય લો.
ભવિષ્યમાં શું કરવું છે?
તમારા ભવિષ્યના લક્ષ્યો શું છે? જો તમારે ડોક્ટર, એન્જિનિયર કે સાયન્ટિસ્ટ બનવું હોય, તો સાયન્સ સ્ટ્રીમમાં પ્રવેશ લીધા પછી, તમારે 12મા ધોરણ પછી MBBS, BTech જેવા કોર્સનો અભ્યાસ કરવો પડશે. જો તમને બિઝનેસ, બેંકિંગ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં રસ હોય તો કોમર્સ યોગ્ય રહેશે. જો તમે સિવિલ સર્વિસીસ, એજ્યુકેશન, ડિઝાઇનિંગ અથવા જર્નાલિઝમ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો આર્ટસ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે કારકિર્દી નિષ્ણાતો પાસેથી પણ માર્ગદર્શન લઈ શકો છો.
11મા ધોરણમાં યોગ્ય સ્ટ્રીમ કેવી રીતે પસંદ કરવી?
શિક્ષકો અને પરિવાર પાસેથી સલાહ લો
તમારા શિક્ષકો સાથે વાત કરો, તેઓ તમારી ક્ષમતાઓને સારી રીતે સમજે છે. તમારા માતા-પિતા અથવા મોટા ભાઈ-બહેન સાથે પણ ચર્ચા કરો પરંતુ અંતિમ નિર્ણય તમારો હોવો જોઈએ.
દબાણમાં ન આવો
ઘણી વખત મિત્રો અથવા સમાજના દબાણ હેઠળ સ્ટ્રીમ પસંદ કરવામાં આવે છે. જે બિલકુલ ન કરવું જોઈએ. જો તમને લાગે કે તમે સાયન્સનો અભ્યાસ નથી કરવા માંગતા, તો કોઈના દબાણમાં આવીને તેમાં પ્રવેશ ન લો.
દરેક સ્ટ્રીમના ફાયદા સમજો
સાયન્સ: મેડિકલ, એન્જિનિયરિંગ, રિસર્ચ જેવા ક્ષેત્રો માટે.
કોમર્સ: બિઝનેસ, ફાઈનાન્સ, માર્કેટિંગ જેવા કારકિર્દી વિકલ્પો માટે.
આર્ટસ: લો, સાહિત્ય અને મીડિયા જેવા વિવિધ ક્ષેત્રોમાં તકો પ્રદાન કરે છે.
જો તમને મેથ્સ ગમે છે અને તમે એન્જિનિયર બનવા માંગો છો તો સાયન્સ (PCM – ફિઝીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ) પસંદ કરો. જો તમને સ્ટાર્ટઅપમાં રસ હોય તો કોમર્સમાં એકાઉન્ટન્સી અને બિઝનેસ સ્ટડીઝ લો.