CBSE Board Exam 2025 notice: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને હોળી ગિફ્ટ આપી છે. 15 માર્ચે હોળીનો તહેવાર હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ ચિંતામાં હતા. તેથી સીબીએસઈએ બાદમાં આ ચિંતા દૂર કરી ‘સ્પેશ્યલ એક્ઝામ’ યોજવાની જાહેરાત કરી છે.
દેશના જુદા જુદા ભાગમાં 14-15 માર્ચે હોળી હોવાથી પરીક્ષાર્થીઓ મૂંઝવણમાં
વાસ્તવમાં 15 માર્ચે CBSE ધોરણ-12 બોર્ડની હિન્દી (મુખ્ય અને વૈકલ્પિક) પરીક્ષા યોજાવાની છે. પરંતુ દેશના કેટલાક ભાગોમાં 14 માર્ચે અને 15 માર્ચે હોળીની ઉજવણી થવાની હોવાથી પરીક્ષાર્થીઓ ચિંતિત હોવાનું સામે આવ્યું છે. તેથી વિદ્યાર્થીઓની ચિંતાને ધ્યાને રાખી સીબીએસઈએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. બોર્ડે સ્પષ્ટ કહ્યું છે કે, ‘15 માર્ચે યોજાનાર પરીક્ષા નિર્ધારીત તારીખે જ યોજાશે, પરંતુ જે વિદ્યાર્થીઓ હોળીના કારણે પરીક્ષા ન આપી શકે, તેઓને વધુ એક તક આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ પછી એક વિશેષ પરીક્ષામાં સામેલ થઈ શકશે.’
15 માર્ચે પરીક્ષા ન આપી શકનારાઓ વિશેષ પરીક્ષામાં સામેલ થઈ શકશે
બોર્ડના નિયમો મુજબ, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે એક વિશેષ પરીક્ષા યોજવામાં આવે છે. તેથી બોર્ડે નિર્ણય લીધો છે કે, હોળીના કારણે જે વિદ્યાર્થીઓ 15 માર્ચે પરીક્ષા ન આપી શકે, તેઓ આ વિશેષ પરીક્ષામાં સામેલ થઈ શકશે. સીબીએસઈએ તમામ શાળાઓને આદેશ આપ્યો છે કે, ધોરણ-12ના પરીક્ષાર્થીઓ પોતાની યોજના મુજબ નિર્ણય લઈ શકે તે માટે શાળાઓ ધોરણ-12ના વિદ્યાર્થીઓ સુધી આ નિર્ણય પહોંચાડે.’