Degree Engineering Update: જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ બાદ ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માંગે છે, તેમજ જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા ફાર્મસી બાદ ડિગ્રી ફાર્મસીના બીજા વર્ષમાં એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ માટે આ સમાચાર મહત્વના છે. કારણ કે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 19 એપ્રિલે યોજાશે. જેના માટે લાયકાતની વિગત અને રજિસ્ટ્રેશનની વિગત જાહેર કરવામાં આવી છે.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ડિપ્લોમા ઇજનેરી પછી ડિગ્રી ઇજનેરીના બીજા વર્ષ માટે તેમજ ડિપ્લોમા ફાર્મસી પછી ડિગ્રી ફાર્મસીના બીજા વર્ષ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાની તમામ બેઠકો પર પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા ઓફલાઇન પ્રવેશ પરીક્ષા (DDCET-2025) લેવાનું નક્કી કર્યું છે. DDCET-2025 પરીક્ષાના સરળ સંચાલન માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નોડલ એજન્સી હશે. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે 16 સરકારી, 3 સરકારી ગ્રાન્ટેડ અને 119 સ્વનિર્ભર સંસ્થાઓમાં 39500 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરાશે. તેવી જ રીતે ડિગ્રી ફાર્મસી પ્રવેશ માટે 3 સરકારી ફાર્મસી, 3 ગ્રાન્ટેડ ફાર્મસી અને 98 સ્વનિર્ભર સંસ્થાઓમાં 1400 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરાશે.
DDCET- 2025 પરીક્ષા માટેની લાયકાત
જે તે પ્રવેશ વર્ષમાં ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ તેમજ સરકારી સંસ્થા ખાતે 05 ટકા બેઠકો માટે સમગ્ર દેશમાંથી માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ
અગાઉના વર્ષોમાં ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ કર્યું હોય અને ડિગ્રીમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો
AICTE ની જોગવાઈ અન્વયે ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી Bachelor of Science અને Diploma Vocational ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ
હાલના પ્રવર્તમાન નિયમો અન્વયે બહારના રાજ્યમાંથી બોર્ડ/યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ કરેલ વિદ્યાર્થીઓ
જે ઉમેદવારોએ ડિપ્લોમા પૂર્ણ કરવા ખૂટતા વિષયોની પરીક્ષા (સેમેસ્ટર 1થી 6) તેમજ ડિપ્લોમા ફાર્મસીનાં પ્રથમ અથવા બીજા વર્ષનાં બાકી રહેતા વિષયોની પરીક્ષા આપેલ હોય અને પરિણામ જાહેર થવાના બાકી હોય તેવા ઉમેદવારો પણ DDCET પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
ઉમેદવારે સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. અને રજિસ્ટ્રેશન ફી રૂ. 250/- (નોન રિફંડેબલ) ઓનલાઇન મોડ દ્વારા ચૂકવવાની રહેશે.
ઉમેદવારે કોઈપણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની અથવા તેની રૂબરૂ ચકાસણી કરાવવા જવાની જરૂર નથી. પ્રવેશ પરીક્ષા (DDCET-2025) ના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે.
જે ઉમેદવાર પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ લેવા માગતા હોય તેઓએ પ્રવેશ પરીક્ષા (DDCET-2025) માટે રજિસ્ટ્રેશન કરાવેલ હોવું તેમજ પ્રવેશ પરીક્ષા આપેલ હોવી જરૂરી છે. ઉમેદવારો ખાસ ધ્યાન આપે કે આ સિવાય રજિસ્ટ્રેશન માટેનો બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
પરીક્ષા કેન્દ્રો
DDCET તમામ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રોમાં હાથ ધરવામાં આવશે. ઉમેદવારોને તેમની પસંદગીના ક્રમમાં કોઈપણ ત્રણ પરીક્ષા શહેરો પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.