Elon Musk New School: એલોન મસ્કે ટેક્નોલોજી અને સ્પેસ ક્ષેત્ર બાદ હવે એજ્યુકેશન સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો છે. તેમણે ટેક્સાસ રાજ્યના બેસ્ટ્રોપમાં “એડ એસ્ટ્રા” નામે એક પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરી છે. આ સ્કૂલ મોન્ટેસરી પદ્ધતિથી પ્રેરિત છે, જ્યાં બાળકોને સ્વપ્રેરિત શીખવામાં ભાર અપાય છે. મસ્કનો હેતુ આ શાળાના માધ્યમથી અમેરિકામાં બાળકોની શીખવાની રીત બદલવા માંગે છે. હાલમાં આ સ્કૂલ નાની છે, પણ ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ (પૂર્વે ટ્વિટર)ના CEO મસ્ક તેને ભવિષ્યમાં યુનિવર્સિટી બનાવવા માગે છે.
એડ એસ્ટ્રા સ્કૂલ પ્રોજેક્ટ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અહીં, બાળકોને STEM એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત શીખવવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. શાળાની વેબસાઇટ અનુસાર, શાળા બાળકોને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓનું અન્વેષણ કરવા, પ્રયોગ કરવા અને ઉકેલવા માટે પ્રોત્સાહિત કરે છે. એલોન મસ્કની શાળાનો ઉદ્દેશ્ય માત્ર બાળકોને પુસ્તકીય જ્ઞાન આપવાનો નથી, પરંતુ તે તેમને વાસ્તવિક જીવનમાં પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવા માંગે છે.
શાળામાં કેવા પ્રકારનો અભ્યાસક્રમ છે?
શાળાના અભ્યાસક્રમની રચના એવી રીતે કરવામાં આવી છે કે બાળકો પોતાની ગતિએ વસ્તુઓ શીખી શકે. અહીં આપવામાં આવતું શિક્ષણ મોન્ટેસરી પદ્ધતિ જેવું છે, પરંતુ શાળાએ સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાને મોન્ટેસરી શાળાની શ્રેણીમાં રાખતી નથી. અહીં બાળકોને વિવિધ ઉંમરના બાળકો સાથે શિક્ષણ મેળવવાનો વિકલ્પ આપવામાં આવે છે. તેમને તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ રોજિંદા કામ કરવાની તાલીમ પણ મેળવે છે. આમાંથી તેઓ નવું નવું શીખે છે.
શાળા કયા વય જૂથ માટે છે?
એડ એસ્ટ્રા એ પૂર્વશાળા છે જ્યાં 3 થી 9 વર્ષની વયના બાળકો અભ્યાસ કરી શકે છે. શરૂઆતમાં આ શાળાની ક્ષમતા 21 બાળકોની હતી. જો કે, પછી તે વધારીને 3 થી 6 વર્ષની વયના 18 બાળકો અને 6 થી 9 વર્ષની વયના 30 બાળકો કરવામાં આવી છે. સ્કૂલની વેબસાઈટ અનુસાર, શરૂઆતના વર્ષમાં સ્કૂલ ફીમાં છૂટ આપવામાં આવશે. આગળ જતાં ફી અન્ય ખાનગી શાળાઓની સમકક્ષ હશે. મસ્કનો હેતુ તેને માત્ર પૂર્વશાળા સુધી મર્યાદિત કરવાનો નથી. મસ્ક તેને STEM યુનિવર્સિટી બનાવવા માંગે છે. આ દર્શાવે છે કે શિક્ષણ ક્ષેત્રે મસ્ક કેટલા ગંભીર છે.