Infosys Co Founder Narayana Murthy: “70 કલાક કામ સૌ માટે નહિ” – નારાયણ મૂર્તિની સ્પષ્ટતા

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Infosys Co Founder Narayana Murthy: ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ પોતાના 70 કલાક કામ કરવાના વિવાદિત નિવેદન પર અંતે સ્પષ્ટતા આપી છે. તેમણે યુવાનોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપવા પર સ્પષ્ટતા આપી છે કે, આ તેમનો અંગત વિચાર છે, તેઓ કોઈને તેનું અનુસરણ કરવા મજબૂર કરી રહ્યા નથી.

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં યુવાનોને સલાહ આપી હતી કે, ‘યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવુ જોઈએ. જેને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. જેના પર સ્પષ્ટતા આપતાં નારાયણ મૂર્તિએ જણાવ્યું છે કે, ‘મારો ઉદ્દેશ કોઈને પણ દબાણપૂર્વક કામ કરવા માટે મજબૂર કરવાનો ન હતો. મારી આ વાતને સલાહ સ્વરૂપે સ્વીકારી લોકોએ સ્વનિરીક્ષણ કરવુ જોઈએ’

- Advertisement -

40 વર્ષ સુધી સપ્તાહમાં 70 કલાક કામ કર્યું

નારાયણ મૂર્તિએ મુંબઈમાં આયોજિત કિલાચંદ સ્મૃતિ વ્યાખ્યાનમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મેં મારી કારકિર્દીમાં 40 વર્ષ સુધી સપ્તાહમાં 70 કલાકથી વધુ કામ કર્યું છે. આ મારો વ્યક્તિગત અનુભવ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, દરેક લોકો તેને અનુસરે, દરેક વ્યક્તિએ પોતાની સ્થિતિ અને જરૂરિયાતોના આધારે નિર્ણયો લેવા જોઈએ. આ કોઈ નિયમ નથી, માત્ર મારો અનુભવ છે. દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અને પરિસ્થિતિઓના આધારે કામ કરવુ જોઈએ. કામના કલાકો વધવા જરૂરી નથી, પરંતુ આપણું કામ સમાજ માટે કેટલુ લાભદાયી છે, તે અત્યંત મહત્ત્વનું છે.’

- Advertisement -

સ્વનિરીક્ષણ કરવાની જરૂર

વધુમાં નારાયણ મૂર્તિએ જણાવ્યું કે, ‘આ મુદ્દે ચર્ચાઓ અને વાદ-વિવાદ કરવાના બદલે લોકોએ સ્વનિરીક્ષણ કરવુ જોઈએ. મેં જે સલાહ આપી છે, તેના પર આટલી બધી ચર્ચાઓ કરવાની જરૂર નથી. તેના બદલે તમે પોતે જ તેના પર વિચાર કરો અને સમજો કે, તમારા માટે શું યોગ્ય છે.’

- Advertisement -
Share This Article