Job Hunt in India: પ્રોફેશનલોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલ એક અગ્રણી સોશિયલ મીડિયા નેટવર્કની નવી શોધ અનુસાર ભારતમાં મોટી સંખ્યામાં પ્રોફેશનલ ચાલુ વર્ષે નોકરીની શોધમાં છે પણ આ શોધ અગાઉ કરતા વધારે મુશ્કેલ બની ગઇ છે.
૬૯ ટકા ભારતીય માનવ સંશાધન પ્રોફેશનલોનું માનવું છે કે કોઇ ભૂમિકા માટે યોગ્ય પ્રતિભાઓને શોધવી હવે વધારે પડકારજનક બની ગયું છે. રિસર્ચ અનુસાર ૨૦૨૫માં પ્રોફેશનલો માટે નોકરી માટે અરજી કરવા અને નોકરી મેળવવાના પ્રકારમાં અનેક ફેરફાર થયા છે.
૪૯ ટકા નોકરી ઇચ્છુક અગાઉ કરતા ઘણી વધારે નોકરીઓ માટે અરજી કરી રહ્યાં છે પણ તેમને ઓછી પ્રતિક્રિયા મળી રહી છે. નોકરી આપનારાઓ માટે પણ આ સ્થિતિ પડકારજનક છે.
૨૭ ટકાથી વધારે એચઆર પ્રોફેશનલ અરજીઓની સમીક્ષા કરવામાં દરરોજ ૩ થી ૫ કલાક પસાર કરે છે. ૫૫ ટકાએ જણાવ્યું છે કે તેમને મળતી નોકરીઓની અરજીઓમાં ૫૦ ટકાથી પણ ઓછી અરજીઓ તમામ માપદંડ પૂર્ણ કરે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બજારમાં નોકરી મળવી મુશ્કેલ બની ગયું છે. ભારતીયોએ નોકરીની શોધમાં વધુ સમજી વિચારીને પગલા ભરવાની જરૂર છે.
એઆઇ કૌશલ્યનું મહત્ત્વ વધતુ રહેશે. ભવિષ્યમાં દરેક નોકરીમાં તેની જરૂર પડશે અને મોટા ભાગના કાર્યોમાં તેની જરૂર પડશે.
વિમાન મેઇન્ટેનન્સ એન્જિનિયર, રોબોટિક્સ ટેકનિશિયન અને કલોઝિંગ મેનેજર ભારતમાં સૌથી ઝડપથી વધતી ત્રણ નોકરીઓ છે.
ભારતમાં ૬૦ ટકા પ્રોફેશનલ્સ કોઇ નવા ઉદ્યોગ કે ક્ષેત્રમાં કામ કરવા માટે તૈયાર છે. ૩૯ ટકાએ તકોને વધારવા માટે ચાલુ વર્ષે નવા કૌશલ્ય શીખવાની યોજના બનાવી છે.
આ સર્વેમાં ૨૭ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર ૨૦૨૪ની વચ્ચે ૨૨,૦૧૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જ્યારે ૨૮ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ની વચ્ચે ૮૦૩૫ વૈશ્વિક માનવ સંશાધન પ્રોફેશનલોએ ભાગ લીધો હતો.
આ સર્વે બ્રિટન, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ભારત, સ્પેન, બ્રાઝીલ, આયરલેન્ડ, નેધરલેન્ડ, સિંગાપોર, જાપાન, સ્વીડન, સઉદી અરેબિયા, યુએઇ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ઇટાલીમાં કરવામાં આવ્યો હતો.