Rajkot Principal Hits Student: રાજકોટના જેતપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનો એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. જેમાં શાળાની લોબીમાં ક્લાસરૂપની બહાર એક વિદ્યાર્થીને સ્કૂલના પ્રિન્સિપાલ ધડાધડ એક પછી એક છ લાફા મારતા જોવા મળી રહ્યા છે. જોકે આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાની સાથે જ પ્રિન્સિપાલની ભારે ટીકા થઈ રહી છે. વાલીઓ પણ આચાર્ય સામે કાર્યવાહીની માગ કરી રહ્યા હોવાની માહિતી મળી છે.
ઘટના 16 જાન્યુઆરીની હોવાની માહિતી
જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીને લાફા મારતાં હોવાના CCTV વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે આ ઘટના 16 જાન્યુઆરીની છે. જો કે, સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીને લાફા કેમ માર્યા તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
માતા-પિતા અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો
સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આ રીતે ધડાધડ વિદ્યાર્થીને લાફા મારવાના કારણે બાળકના માતા-પિતા અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. એક માહિતી પ્રમાણે સ્કૂલની બહાર વાલીઓ અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીને માર મારવો એ કાયદાકીય રીતે ગુનો
નોંધનીય છે કે, કોઈ પણ વિધાર્થીને સ્કૂલના શિક્ષક કે આચાર્ય દ્વારા માર મારવો એ કાયદાકીય રીતે ગુનો બને છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને શારીરિક શોષણના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે આચાર્ય સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, અને આચાર્યએ વિદ્યાર્થીને લાફા કેમ માર્યા તેની સાચી માહિતી બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.