Success Story : 45 વર્ષે ઝીરોથી શરુ કરી ₹8300 કરોડની કંપની ઉભી કરી, Lakmeને પાછળ છોડી.

Arati Parmar
By Arati Parmar 6 Min Read

Success Story Mira Kulkarni Forest Essentials: સામાન્ય રીતે લોકો ઉંમર વધી જાય તે પહેલાં પોતાના સપના પૂરા કરવા માંગતા હોય છે. 45ની ઉંમર બાદ રિટાયરમેન્ટના દિવસો નજીક આવવા લાગે છે. આ ઉંમરે લોકો કંઈપણ નવું શીખવાનું ટાળવા લાગે છે. તેમજ નોકરિયાતો પોતાના પગારથી જ ખુશ રહે છે. પરંતુ એક મહિલા એવી છે કે જેણે 45ની વયે દુનિયાને પોતાના સાહસથી અચંબિત કરી દીધી છે. આ મહિલાએ પોતાના જીવનના મુશ્કેલ તબક્કામાં એક કંપનીની શરૂઆત કરી, આજે આ કંપની 8000 કરોડની વેલ્યુએશન ધરાવે છે. આ કહાની વાંચીને તમે સમજી જશો કે ઉંમર માત્ર એક નંબર છે.

આ સક્સેસ સ્ટોરી છે મીરા કુલકર્ણીની, જેઓ ફોરેસ્ટ એસેન્શિયલ્સ (Forest Essentials) બ્રાન્ડના ફાઉન્ડર છે. આ કંપની સંપૂર્ણ આયુર્વેદિક સ્કિનકૅર પ્રોડક્ટ્સ બનાવે છે. આ કંપની એટલી પોપ્યુલર બની ગઈ કે મોટી મોટી કંપનીઓના માલિકો ટેંશનમાં આવી ગયા છે. પરિણામે તેઓ પોતાની સ્ટ્રેટેજી બદલવાનું વિચારવા લાગ્યા છે. મીરા કુલકર્ણીની પર્સનલ નેટવર્થ 1200 કરોડ રૂપિયાથી વધુ છે. હાલ બધું જોવામાં સારું લાગી રહ્યું છે, પરંતુ તેના પાછળનો સંઘર્ષ ખૂબ મુશ્કેલ રહ્યો છે. ત્યારે અહીં તેમની સ્ટોરી જણાવાઈ છે.

- Advertisement -

લગ્ન બાદ શરુ થઇ મુશ્કેલીઓ

મીરા કુલકર્ણીનો જન્મ 1958માં ઉત્તરાખંડના ટેહરી ગઢવાલમાં થયો હતો. તેમણે શરૂઆતનું શિક્ષણ શિમલાના લોરેટો કોવેંત ખાતે પૂર્ણ કર્યું અને ત્યારબાદ ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજથી ફાઈન આર્ટ્સમાં ડિગ્રી મેળવી હતી. 20 વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાની ઈચ્છા પર પોતાનો અભ્યાસ છોડીને લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ લગ્ન કર્યાના થોડા જ સમય બાદ તેમના જીવનમાં મુશ્કેલીઓ શરુ થઇ. તેમને બે બાળકો સમર્થ અને દિવ્ય થયા, પરંતુ લગ્ન લાંબો સમય ન ટકી શક્યા.

- Advertisement -

28 વર્ષની ઉંમરે મીરાએ પોતાના માતાપિતાને ગુમાવ્યા. આ સમયે મીરા એકલા અને જવાબદારીઓથી ઘેરાયેલા અનુભવી રહ્યા હતા. તે સમયે તેમણે પોતાના ઘરનો એક ભાગ ભાડે આપવાનું શરુ કર્યું, જેથી જીવન ગુજારી શકાય અને પરિવારનું ભરણપોષણ થાય.

શરુ કર્યો મીણબત્તીનો બિઝનેસ

- Advertisement -

વર્ષ 1999માં ઉનાળાના વેકેશન દરમિયાન એક નાનકડી ઘટનાએ તેમનું જીવન બદલી નાંખ્યું. કોટેજમાં વારંવાર વિજળી જવાના કારણે તેમને વારંવાર મીણબત્તીઓ સળગાવવી પડતી હતી. મીણબત્તીઓ ઝડપથી ખતમ થઇ જતી હતી. મીરાએ એ મીણબત્તીઓને ઓગાળીને નવી મીણબત્તીઓ બનાવી. અહીં તેમને એક બિઝનેસ આઈડિયા મળ્યો. તેમણે 45 વર્ષની વયે આ નાનકડા શોખને બિઝનેસમાં ફેરવ્યો. તેમને 2 લાખના ખર્ચે 2 કર્મચારીઓ સાથે કામ શરુ કર્યું અને વર્ષ 2000માં ફોરેસ્ટ ઇશેન્શિયલ્સનો જન્મ થયો.

તેમણે પોતાના ઘરના ગેરેજને ઓફિસ બનાવી અને શરૂઆત મીણબત્તીઓથી કરી. બાદમાં તેમણે પોતાના પુત્રની સલાહ પર સાબુ બનાવતા શીખ્યું. હવે તેમનું સંપૂર્ણ ધ્યાન મીણબત્તી અને હેન્ડમેડ સાબુ પર હતું. મીરા ઉત્તરાખંડના ટીહરી ગઢવાલના પહાડોમાંથી 100 ટકા શુદ્ધ આયુર્વેદિક સામગ્રીઓ લઈને હાઈ ક્વોલિટી સ્કિનકૅર પ્રોડક્ટ્સ બનાવી રહ્યા હતા. તેમણે બનાવેલા સાબુ શુદ્ધ અને આયુર્વેદિક હતા, પરંતુ કિંમત વધુ હોવાથી મીરાને ચિંતા હતી કે શું લોકો તે ખરીદશે? 3 વર્ષ સુધી વિચાર્યા બાદ તેમણે નિર્ણય લીધો કે તેઓ ક્વોલિટી સાથે કોઈ છેડછાડ કરશે નહીં. તેમણે પોતાના હાથથી પ્રોડક્ટ્સ બનાવી અને તેની ડિઝાઇન પણ ખાસ હતી.

હયાત રેજન્સીના ઓર્ડરે બદલી કિસ્મત

તેમને હયાત રેજન્સીએ પોતાની હોટેલ્સ માટે સાબુનો ઓર્ડર આપતાં તેમનું જીવન બદલાઈ ગયું હતું. તેઓ પોતાની હોટેલના રૂમમાં ફોરેસ્ટ એસેન્શિયલ્સના સાબુનો ઉપયોગ કરવા માંગતા હતા. જ્યારે આટલી મોટી હોટેલ કોઈ કંપનીને ઓર્ડર આપે તો સમજી શકાય છે કે સાબુ ખૂબ જ સ્પેશ્યલ હતો અને બાકીની પ્રોડક્ટ્સ પણ સારી હોવાની સંભાવના હતી.

2003માં દિલ્હીના ખાન માર્કેટમાં ફોરેસ્ટ એસેન્શીયલનો પ્રથમ સ્ટોર ખુલ્યો. ગ્રાહકોએ તેમની પ્રોડક્ટ્સની ક્વોલિટી ઓળખી. તેમણે ધીમે ધીમે બોડી પોલિશ, હેર ઓઇલ અને એજ ડીફાઈંગ સીરમ જેવી પ્રોડક્ટ્સ પણ બનાવી. આ બ્રાન્ડ પોતાના આયુર્વેદિક પ્રોડક્ટ્સ અને હાઈ ક્વોલિટી માટે પ્રખ્યાત થઇ ગઈ.

અમેરિકન કંપનીએ કર્યું છે રોકાણ

વર્ષ 2008 સુધી કંપનીના 7 સ્ટોર્સ ખુલી ચુક્યા હતા. આ વર્ષે 6 કરોડ રૂપિયાના રેવન્યુ સાથે ફોરેસ્ટ એસેન્શિયલ્સને 8 બિલિયન ડોલરની અમેરિકન કોસ્મેટિક કંપની એસ્તે લોડરે (Estee Lauder) 7 કરોડ રૂપિયાનું રોકાણ આપ્યું. જેનાથી કંપનીનો બિઝનેસ 100 કરોડે પહોંચી ગયો.

મીરાંએ પોતાની હરિદ્વારની ફેક્ટરીને ફાર્માસ્યુટિકલ ગ્રેડ સટીફીકેટ અપાવ્યું અને નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી. 2017 સુધી ફોરેસ્ટ એસેન્શિયલનું રેવન્યુ 177 કરોડ રૂપિયા થઈ ગયું હતું અને તેની પ્રોડક્ટ્સ હરોડ્સ (UK) અને બર્ગડોર્ફ ગુડમેન (US) જેવા ઇન્ટરનેશનલ પ્રીમિયમ સ્ટોર્સમાં વેચાવા લાગી.

130 સ્ટોર્સ અને 120 દેશોમાં એક્સપોર્ટ

આજે ફોરેસ્ટ એસેન્શિયલ્સ ભારતમાં 130 સ્ટોર્સ ધરાવે છે અને 120 દેશોમાં પોતાની પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરે છે. કંપનીનું એન્યુઅલ રેવન્યુ 432 કરોડ રૂપિયા છે અને તેની વેલ્યુએશન 8300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેની પ્રોડક્ટ્સ રાષ્ટ્રપતિ ભવન, લંડનના ક્રાઉન 51 બકિંઘમ સુઇટ્સ જેવા 190 હાઈ એન્ડ હોટેલ્સમાં વપરાય છે.

મીરા કુલકર્ણીની સખત મહેનત અને દ્રઢતાના પરિણામે આજે તેમની કુલ સંપત્તિ 1290 કરોડ રૂપિયા છે. તેમને 2020માં કોટક વેલ્થ હુરુન-લીડીંગ વેલ્ધી વિમેનની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. 2016માં તેમને બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે વોગ ઇન્ડિયા બ્યુટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share This Article