Success Story of Bhavesh Ravaliya : ‘રમવા માટે ભણવું પડશે’ આ શબ્દો ધોરણ 10 નાપાસ વિદ્યાર્થીના દિલમાં ઉતરી ગયા હતા અને રમવા માટે અભ્યાસમાં મેદાનમાં ઉતરી ગયા હતા. બસ અહીંથી જીવન બદલાઈ ગયું અને એક કે બે નહીં પરંતુ ત્રણ સરકારી નોકરીની પરીક્ષા પાસ કરી લીધી હતી. પરંતુ રમતનો જીવ હોવાના કારણે છેલ્લે રમત ગમત અધિકારી બન્યા. આ વાત છે જામનગરના રમત ગમત અધિકારી ભાવેશભાઈ રાવલિયાની. આ શ્રેય ખેલ મહાકુંભને આપી રહ્યા છે. ભાવેશભાઈ એક સમયે ખેલ મહાકુંભનો હિસ્સો હતા. આજે ખેલ મહાકુંભનું આયોજન કરી રહ્યા છે અને અનેક યુવાનનો તૈયાર કરી રહ્યા છે.
ખેલ મહાકુંભ જીવનમાં પગથિયું બન્યો એ જ ખેલ મહાકુંભને જામનગરના યુવાને આજે સફળતાની સીડી બનાવી છે. હા, આપણે વાત કરીએ છીએ જામનગરના એવા અધિકારીની જેઓ ધોરણ 10માં નાપાસ થયા હતા. ત્યારબાદ ભયંકર સંઘર્ષ અને સાહસ થકી આજે તેઓ સફળ થયા છે અને જામનગરમાં જિલ્લા રમત ગમત અધિકારી (ક્લાસ 2) તરીકે સેવા આપી રહ્યા છે. તેમની સફળતા પાછળનો શ્રેય ખેલ મહાકુંભને આપ્યો છે. ખેલ મહાકુંભની પણ મોટી સિદ્ધિ ગણાય છે.
જામનગર જિલ્લા રમત ગમત અધિકારી તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ રાવલિયાના સંઘર્ષ અને સફળતા વિશે ડોકિયું કરીએ તો તેમના મૂળમાં અનેક મુશ્કેલીઓ છુપાયેલ છે. તેઓએ જણાવ્યું કે, 2006માં દેવભૂમિ દ્વારકાના નંદાણા ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ અભ્યાસમાં રુચિ ન હોવાથી ધોરણ 10 માં નાપાસ થયા હતા. પરંતુ ખેલમાં ખૂબ રસ હોવાથી ‘‘એસજીએફઆઈ’’ રમવા માટે ગયા હતા અને તેમાં તાલુકા કક્ષાએ પસંદગી પામ્યા હતા. ત્યારબાદ જિલ્લા કક્ષાએ રમવા જવા માટે ઝંખના દાખવી રહ્યા હતા. જોકે આ દરમિયાન કોઈ ખાસ માર્ગદર્શન આપવા વાળું તેમને મળ્યું ન હતું.
પરંતુ તેમના શિક્ષકે કહ્યું હતું કે ‘રમવા માટે ભણવું પડશે’ બસ આજ વાત ગણીને ગાંઠે બાંધી લીધી હતી. ‘કસવા વગર રીંણ ન ભરાય’ તેમ ભાવેશભાઈ રમવા માટે થઈ અને અભ્યાસએ વળગ્યા હતા અને ધો. 10, 12 પાસ કરી કોલેજ શરૂ કરી હતી. 2010માં કોલેજ કરી રહ્યા હતા, આ દરમિયાન સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો. 2010માં ભાવેશભાઈએ પ્રથમ જ વખત ખેલ મહાકુંભમાં ભાગ લઈ 400 મીટર દોડમાં રાજ્ય કક્ષાએ નંબર મેળવ્યો હતો અને છેક 2015 સુધી જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો.
વર્ષ 2015 સુધીમાં પોલીસ, SRP અને આર્મી જેવી 3 સરકારી નોકરી પણ મેળવી લીધી હતી. પરંતુ રમતગમતનો જીવ હોવાથી તેમને સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધવાનો વિચાર કર્યો હતો અને 2016 ની પરીક્ષામાં જિલ્લા રમત ગમત અધિકારીની ભરતીમાં પાસ થયા હતા. અગાઉ 10મા ધોરણમાં નાપાસ થયેલ યુવાનને રમવા અને સફળતા મેળવવા એવી જંખના જાગી કે આજે 4-4 સરકારી નોકરીમાં પાસ થયા છે.
હાલ જામનગર જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે અને ખેલ મહાકુંભના સફળતા અંગે વાત કરતા કહ્યું કે “સૌપ્રથમ પાંચ વર્ષ રમ્યા ત્યાર બાદ 2016 થી લઇ 2024 સુધી અમે ખેલ મહાકુંભના આયોજન તાલુકા, જિલ્લા લેવલે હવે કરાવી રહ્યા છીએ. ખેલ મહાકુંભને ઓલિમ્પિકના વિઝન સાથે આગળ વધારીએ છીએ.”
આમ પ્રથમ વિદ્યાર્થી કાળ દરમિયાન રમતગમત ક્ષેત્રે રુચિ હોવાથી ખેલ મહાકુંભમાં ભાગ લેતા થતા અને તેમાં રાજ્યકક્ષા સુધી મેડલ મેળવ્યા બાદ સરકારી નોકરી પાસ કરી અને હાલ ખુદ તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભના આયોજન કરાવી રહ્યા છે. જે બદલ ભાવેશભાઈ રાવલિયા એ પોતાની જાતને ગૌરવસિદ્ધ ગણી હતી. તેમના પરિવારજનો ખેતી કામ સાથે સંકળાયેલ છે.