Success Story of Bhogi Sammakka : સફળતા શબ્દ બોલવામાં જેટલો સહેલો લાગે છે, તેને સાર્થક કરવો એટલો જ મુશ્કેલ છે. કારણ કે સફળતાની આ સફરમાં અનેક ચઢાવ ઉતાર આવે છે, જેને પાર કરીને હાર ન માનનાર વ્યક્તિ જ તેને પામી શકે છે. આજકાલ સરકારી નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેટલો મુશ્કેલ ટાસ્ક છે. તેમાં પણ નાના ગામડા કે અંતરિયાળ વિસ્તારમાં તો જાણે લગભગ અશક્ય લાગે છે, કારણ કે અહીં પૂરતા સંસાધનો કે સુવિધાઓ ન હોવાથી નાના ગામડાના વિદ્યાર્થીઓને વધુ સંઘર્ષ કરવો પડે છે. આજે અમે તમને જેની સફળતાની કહાની જણાવવા જઇ રહ્યા છીએ, તે આવા જ એક નાના એવા ગામડાની છોકરીની છે. જેને 3-3 સરકારી નોકરી મેળવી અને તે પણ કોઇ પણ પ્રાઇવેટ કોચિંગ વગર ઘરે બેઠા જ તૈયારી કરીને, અને હજુ તેનું સ્વપ્ન છે સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરીને IAS બનવાનું.
પોતાની આ સફળતાની ચર્ચાનો વિષય બનેલી છોકરીનું નામ છે ભોગી સમ્મક્કા. જે તેલંગણાના ભદ્રાદી કોઠીગુડેમ જીલ્લામાં દમ્માપેટા ગામની રહેવાસી છે. ભોગી સમ્મક્કાએ ગામમાં જ રહીને પોતાનો અભ્યાસ કર્યો છે.
સમ્મક્કાની માતા ભોગી રમણા આંગણવાડીમાં ભણાવે છે. તેના પિતા ભોગી સત્યમ એક સામાજીક કાર્યકર્તા છે. ભોગી સમ્મક્કાની પસંદગી તેલંગણા રાજ્ય લોક સેવા આયોગ (TGPSC)ની પરીક્ષામાં થઇ. તે આ પરીક્ષા પાસ કરીને અંગ્રેજી વિષયની લેક્ચરર તરીકે સિલેક્ટ થઇ. ત્યાર બાદ તેણે તેલંગણા રાજ્ય પોલિસ ભરતી બોર્ડની પરીક્ષા પાસ કરી અને તેની પસંદગી સિવિલ પોલીસ કોન્સ્ટેબલના પદ પર થઇ. ભોગી સમ્મક્કાએ જણાવ્યું કે, હવે તે TGPSCના ગ્રુપ IVની પરીક્ષામાં પણ પાસ થઇ ચૂકી છે અને તેની પસંદગી જૂનિયર આસિસ્ટન્ટ તરીકે થઇ છે. આ રીતે તેણીને 3-3 સરકારી નોકરીઓ માટે પસંદ કરવામાં આવી છે.
ઘરે જ કરે છે તૈયારી
ભોગી સમ્મક્કાએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને સરકારી નોકરીઓની તૈયારી ઘરેથી જ કરી છે. આ પરીક્ષાઓ માટે તેણે કોઇ જ કોચિંગમાં એડમિશન નથી લીધું. ભોગી સમ્મક્કા કહે છે કે લોકોને લાગે છે સરકારી નોકરી મેળવવા માટે કોચિંગ કરવા જરૂરી છે., પરંતુ એવું નથી. અભ્યાસ જરૂરી છે અને તમે ઘરે રહીને પણ સારી રીતે તૈયારી કરી શકો છો. હવે ભોગી સમ્મક્કાનું લક્ષ્ય UPSCની પરીક્ષા પાસ કરીને IAS બનવાનું છે.
ગામમાંથી જ કર્યો છે પ્રારંભિક અભ્યાસ
ભોગી સમ્મક્કાએ પોતાનો શરૂઆતી અભ્યાસ સરકારી શાળામાં જ કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં ભોગીએ જણાવ્યું કે તેણે ઇન્ટરમીડિએટ અને અંડરગ્રેજ્યુએટનો અભ્યાસ ગામની નજીકની એક પ્રાઇવેટ કોલેજમાંથી કર્યો છે. ત્યાર બાદ તેણે ઉસ્માનિયા યુનિવર્સીટીથી અંગ્રેજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ. સમક્કાએ જણાવ્યું કે, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ તેણી પોતાના ગામડે પરત આવી અને પોતાની દાદીના ઘરમાં એક અલગ રૂમમાં પોતાની તૈયારી શરૂ કરી. તેણીએ જણાવ્યું કે, આ જ રૂમમાં રહીને તેણે સરકારી નોકરીની તૈયારીઓ કરી છે. અંતે તેની મહેનતનું ફળ મળ્યું અને તે 3-3 સરકારી નોકરી માટે પસંદગી પામી. ભોગી જણાવે છે કે, જોકે લક્ષ્ય હજુ દૂર છે, જેના માટે તે ખૂબ મહેનત કરી રહી છે. IAS ઓફિસર બન્યા બાદ તેની તૈયારી પૂર્ણ થશે.