Success Story of Girish Mathrubootham : ગિરીશ માતૃબૂથમ (Girish Mathrubootham)ને બહુ ઓછા લોકો જાણતા હશે અને તેમની કંપનીનું નામ પણ ઘણા ઓછા લોકોએ સાંભળ્યું હશે. પરંતુ ગિરીશ માતૃબૂથમે 1 અઠવાડિયામાં 340 કરોડ રૂપિયા કમાઈને બધાને ચોંકાવી દીધા છે. આપને જણાવી દઈએ કે તેઓ ફ્રેશવર્ક્સ (freshworks) નામની કંપનીના સ્થાપક છે. તેમની કંપની સોફ્ટવેર સર્વિસ ઈન્ડસ્ટ્રી (Saas – Software as a Service)માં ખૂબ જ જાણીતી છે. તેમની કંપનીની વેલ્યૂએશન લગભગ 53000 કરોડ રૂપિયા છે.
આ કંપની અમેરિકન સ્ટોક માર્કેટ એક્સચેન્જ નેસ્ડેક પર લિસ્ટેડ છે. તેમણે તેમની કંપનીના 25 લાખ શેર વેચી દીધા છે. જેનાથી તેઓને 3.96 કરોડ ડોલર (336.41 કરોડ રૂપિયા)ની કમાણી થઈ છે. ગિરીશ માતૃબૂથમ આ વર્ષે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા હતા. આ પહેલા તેઓ કંપનીના CEO હતા. ફેબ્રુઆરીમાં કંપનીના બોર્ડે સીઈઓ માટે નક્કી કરાયેલા 60 લાખ સ્ટોક યુનિટનું એલોટમેન્ટ રદ (કેન્સલ) કરી દીધું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે આર્થિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તેના કારણે અધિકારીઓના લક્ષ્યો પણ બદલાઈ ગયા છે. જોકે, તેમને 1.9 કરોડ ડોલરની ઈક્વિટી ઈન્સેન્ટિવ તરીકે મળવાની નક્કી હતી.
ગિરીશ માતૃબૂથમ ધોરણ 12માં એક વખત નાપાસ થયા હતા. ત્યારે તેમના સંબંધીઓ તેમને ‘રિક્ષાવાળો’ કહીને બોલાવતા હતા. જોકે, તેમણે સંબંધીઓની વાતને ધ્યાનમાં ન લીધી. તેમણે આગળ વધારે મહેનત કરી અને HCLમાં પહેલી નોકરી મેળવી. બાદમાં તેઓ ઝોહો (Zoho)માં લીડ એન્જિનિયર બન્યા. આ કંપનીને તેમણે તેમના જીવનના 7 વર્ષ આપ્યા અને કંપનીના વાઈસ પ્રેસિડેન્ટના પદ સુધી પહોંચ્યા.
ત્યારબાદ તેમણે 2010માં Zoho કંપનીમાં નોકરી મૂકી દીધી અને Freshworks નામની કંપનીની સ્થાપના કરી હતી. 2018 સુધીમાં તેમની કંપની પાસે 125 દેશોના 1 લાખથી વધુ ક્લાઈન્ટ થઈ ગયા હતા. કંપની ઘણી આગળ વધી અને જ્યારે તે નાસ્ડેક પર લિસ્ટેડ થઈ, ત્યારે તેના 500 કર્મચારીઓ એક ઝાટકે કરોડપતિ બની ગયા. તેમાંથી ઘણા કર્મચારીઓની ઉંમર 30 વર્ષ કરતા પણ ઓછી હતી.
કોરોના કાળ બાદ આઈટી સેક્ટર પર આર્થિક સંકટ આવ્યું હતું. આ દરમિયાન ઘણી કંપનીઓએ તેના કર્મચારીઓને છૂટ્ટા કર્યા હતા. આ દરમિયાન ફ્રેશવર્ક્સ કંપનીએ પણ ઘણા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. આ પછી કંપનીએ 40 કરોડ ડોલરના શેર બાયબેકનું પણ એલાન કર્યું હતું.