Success Story of Rajinder Gupta : તમે ઘણા લોકોને મજૂરી કરતા જોયા હશે, આમાંથી કેટલાક લોકો આખી જિંદગી મજૂરી જ કરે છે. જ્યારે કેટલાક લોકો પોતાના મજબૂત આઈડિયાના દમ પર કંઈક મોટું કરીને બતાવે છે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિની કહાની જણાવવા જઈ રહ્યા છે, જેઓ એક સમયે મજૂરી કરતા હતા અને આજે 17000 કરોડની કંપનીના માલિક છે. આ વાત તમને થોડી અટપટી લાગી રહી હશે, પરંતુ આ એકદમ સાચી વાત છે. ગરીબીમાંથી બહાર નીકળીને જીવનમાં પરિવર્તન લાવવું એક મોટું કામ છે, જેને ભારતમાં અમુક લોકો જ કરી શકે છે. કારણ કે આ માટે માત્ર આઈડિયા જ નહીં, પરંતુ આઈડિયા પર ચાલવાની હિંમતની પણ હોવી જોઈએ.
કોણ છે રાજીન્દર ગુપ્તા?
ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરપર્સન રાજીન્દર ગુપ્તાએ 14 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો હતો અને મજૂરી શરૂ કરી દીધી હતી, તેઓને દરરોજ 30 રૂપિયા મળતા હતા. આજે તેઓ 17000 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. રાજીન્દર ગુપ્તા પંજાબના રહેવાસી છે, જેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. રાજીન્દર ગુપ્તાએ 14 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો અને મજૂરીકામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને એક કારખાનામાં કામ મળી ગયું હતું, જ્યાં મીણબત્તીઓ અને સિમેન્ટની પાઈપ બનાવવામાં આવતી હતી. અહીં રાજીન્દર ગુપ્તાને રોજના 30 રૂપિયા મળતા હતા. પરંતુ 1980ના દાયકામાં તેમની કિસ્મત પલટાઈ હતી. તેમણે 1985માં અભિષેક ઈન્ડસ્ટ્રીઝ નામની ખાતરની ફેક્ટરી શરૂ કરી હતી. આ માટે તેમણે પોતાની બચતનો ઉપયોગ કર્યો હતો.
ટ્રાઇડેન્ટ ગ્રુપની સ્થાપના કરી
રાજીન્દર ગુપ્તાનું કામ થોડા જ સમયમાં ઝડપથી આગળ વધ્યું અને વર્ષ 1991માં તેમણે કાપડ ઉદ્યોગમાં એન્ટ્રી કરવાનો પ્લાન બનાવ્યો. તેમણે પાર્ટનરશિપમાં એક સ્પિનિંગ મિલ શરૂ કરી. આ આઈડિયા સફળ થયો અને સ્પિનિંગ મિલમાંથી તેમને ઘણો નફો થયો. શરૂઆતની સફળતા બાદ રાજીન્દર ગુપ્તાએ કાપડ, કાગળ અને રસાયણ ઉદ્યોગોમાં એન્ટ્રી કરી અને ટ્રાઇડેન્ટ ગ્રુપ નામની એક કંપનીની સ્થાપના કરી. આજે તે એક વિશાળ બિઝનેસ ગ્રુપ છે, જેનું માર્કેટ કેપ 17,000 કરોડ રૂપિયાથી વધુ છે. આ ગ્રુપ પાસેથી રિટેલ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ જેમ કે પેની, વોલમાર્ટ, લક્ઝરી અને લિનન પણ સામાન ખરીદે છે.
અંગત કારણોથી છોડ્યું આ પદ
રાજીન્દર ગુપ્તાએ શૂન્યથી શરૂઆત કરીને એક વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું અને વર્ષ 2022માં અંગત કારણોસર ટ્રાઈડેન્ટ ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું પદ છોડ્યું હતું. જોકે, હવે તેઓ ગ્રુપના ચેરમેનની સાથે-સાથે તેમના કોર્પોરેટ એડવાઈઝરી બોર્ડમાં કામ કરી રહ્યા છે.
અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત
રાજીન્દર ગુપ્તાની સફળતાની કહાનીને બિઝનેસ સ્કૂલોમાં કેસ સ્ટડી તરીકે ભણાવવામાં આવે છે અને તેઓ લાખો ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણાસ્ત્રોત છે, જેઓ પોતાનો બિઝનેશ શરૂ કરવા માગે છે, પરંતુ નાણાકીય અવરોધોને કારણે આવું કરી શકતા નથી. ફોર્બ્સ અનુસાર, રાજીન્દર ગુપ્તાની કુલ સંપત્તિ 1.5 બિલિયન ડોલર છે.