Success Story of Rakesh Chopdar: અત્યાર સુધીમાં તમે ઘણા લોકોની સફળતાની કહાની વાંચી હશે, પરંતુ આજે અમે આપને એક એવા વ્યક્તિની સફળતાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ ક્યારેય કોલેજ ગયા નથી. છતાં તેઓને એન્જિનિયર કહેવામાં આવે છે, એટલું જ નહીં આજે તેઓ 11145 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. સૌથી ખાસ વાત એ છે કે તેઓ ધોરણ 10માં નાપાસ થયા હતા અને પછી અભ્યાસ છોડી દીધો હતો. અમે જેમની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે રાકેશ ચોપદાર (Rakesh Chopdar).
રોકેશ ચોપદાર ધોરણ 10માં નાપાસ થયા બાદ તેમના પરિવારજનો એવું કહેવા લાગ્યા હતા કે તેઓ જીવનમાં કંઈ નહીં કરી શકે. પરંતુ આજે તેઓએ સફળ ઉદ્યોગપતિ બનીને આ લોકોની બોલતી બંધ કરી દીધી છે. રોકેશ ચોપદારે અભ્યાસ છોડ્યા બાદ તેઓએ તેમના પિતાની નટ-બોલ્ટ બનાવતી ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓએ એન્જિનિયરિંગ અને બિઝનેસનો અનુભવ મેળવવાનું શરૂ કર્યું હતું.
રાકેશ ચોપદાર ક્યારેય કોલેજ ગયા નથી. પરંતુ પિતાની ફેક્ટરીમાંથી તેઓ એટલું શીખ્યા કે આજે તેમની સામે ભલભલા એન્જિનિયર પણ પાછા પડે છે. ફેક્ટરીમાં કામ કરવાની સાથે-સાથે તેઓએ મશીનો વિશે નોલેજ મેળવ્યું હતું. માત્ર 17 વર્ષની ઉંમરે જ તેમણે 2008માં એક સેકન્ડહેન્ડ CNC મશીનની સાથે આઝાદ એન્જિનિયરિંગ (Azad Engineering) નામથી એક કંપની શરૂ કરી હતી. તેમની આ કંપની એક 200 ચોરસ મીટર શેડમાં ચાલતી હતી. આઝાદ એન્જિનિયરિંગ એરોસ્પેસ, રક્ષા, એનર્જી, તેલ અને ગેસ ઉદ્યોગો માટે વિવિધ મશીનોના પાર્ટ્સ બનાવતી હતી.
જોત જોતામાં જ આઝાદ એન્જિનિયરિંગ એક પ્રખ્યાત કંપની બની ગઈ. આજે આ કંપનીને એરોસ્પેસ અને એનર્જી મેન્યુફેક્ચરિંગમાં એક માર્કેટ લીડર તરીકે જોવામાં આવે છે. ફેબ્રુઆરી 2024 સુધીમાં કંપનીનું માર્કેટ કેપ લગભગ 5499 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. વર્ષ 2008માં માત્ર 2 કરોડ રૂપિયાના ટર્નઓવરની સાથે શરૂ થયેલ આઝાદ એન્જિનિયરિંગને વર્ષ 2023-24માં 350 કરોડ રૂપિયાની આવક થઈ હતી. રિપોર્ટ અનુસાર, હાલ આઝાદ એન્જિનિયરિંગનું માર્કેટ કેપ 11,145 કરોડ રૂપિયાથી વધારે છે.
આઝાદ એન્જિનિયરિંગનું કામ જેમ-જેમ વધતું ગયું, તેમ તેમ તેની સાથે રોલ્સ રોયસ અને DRDO જેવી ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપનીઓ જોડાઈ ગઈ હતી. હૈદરાબાદ ખાતે આવેલી આ કંપનીએ ડિસેમ્બર 2023માં તેનો IPO લોન્ચ કર્યો હતો.