Success Story of Ravi Modi: જો વ્યક્તિ ઇચ્છે તો યોગ્ય અભિગમ અને સખત મહેનતથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. વેદાંત ફેશન્સ લિમિટેડના સ્થાપક રવિ મોદીએ આ વાતને સાર્થક કરી બતાવી છે. એક સમયે નાનકડી કપડાની દુકાનથી પોતાનો બિઝનેસ શરૂ કરનાર રવિ મોદીની કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે 30.49 હજાર કરોડ રૂપિયા છે. તેઓ પોતે 28000 કરોડની સંપત્તિના માલિક છે. વેદાંત ફેશનની બ્રાન્ડ ‘માન્યવર’ આજે ભારતીય લગ્ન બજારમાં મોટું નામ બની ગઈ છે.
રવિ મોદીનો જન્મ કોલકાતામાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેના પિતાની કપડાની નાની દુકાન હતી. શાળામાંથી આવ્યા પછી નવ વર્ષની ઉંમરે તેણે તેના પિતાને તેમના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. સમયની સાથે રવિ મોદીની કંઈક મોટું કરવાની ઈચ્છા પણ વધતી ગઈ. કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.કોમ કરવાની સાથે તેઓ તેના પિતાને મદદ કરતા હતા.
તેણે નવ વર્ષ સુધી સતત દુકાનમાં કામ કર્યું. ગ્રેજ્યુએટ થયા પછી તેણે MBA કરવાનું વિચાર્યું પરંતુ પિતાએ મનાઇ કરી દીધી. જ્યારે તેઓએ તેમના પિતા સામે નવો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે રવિને ઠપકો આપ્યો. જેના કારણે પિતા-પુત્ર વચ્ચે થોડો મતભેદ થયો હતો.
માતા પાસેથી ઉધાર લીધા પૈસા
પિતા સાથે મતભેદ થયા બાદ રવિએ તેની માતા પાસેથી દસ હજાર રૂપિયા લીધા અને કપડાંનું કામ શરૂ કર્યું. તેણે તેનું નામ તેના એકમાત્ર પુત્ર વેદાંતના નામ પરથી રાખ્યું હતું. તેઓએ ભારતીય પરંપરાગત વસ્ત્રો બનાવવાનું શરૂ કર્યું અને તેને કોલકાતાથી પશ્ચિમ બંગાળના અન્ય શહેરો તેમજ ઉત્તર પ્રદેશ, ઓડિશા, બિહાર અને મધ્ય પ્રદેશમાં વેચવાનું શરૂ કર્યું. લોકો તેમના દ્વારા બનાવેલા કપડા તેમની સારી ગુણવત્તા અને ડિઝાઇનને કારણે પસંદ કરતા હતા.
થોડાં જ વર્ષોમાં તેમનો બિઝનેસ સારો જામી ગયો. તેથી તેણે પોતાની બ્રાન્ડનું નામ ‘માન્યવર’ રાખ્યું. માર્કેટની સાથે તેઓએ વિશાલ મેગા માર્ટ અને પેન્ટાલૂન્સ જેવા મોટા સ્ટોર્સને પણ નિશાન બનાવ્યા હતા. રવિ મોદીએ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં વેદાંત ફેશનનો પહેલો સ્ટોર ખોલ્યો. આજે તેમના દેશભરમાં 600 થી વધુ સ્ટોર્સ છે. કંપની 15 થી વધુ આંતરરાષ્ટ્રીય સ્ટોર્સ પણ ચલાવે છે. વર્ષ 2022માં રવિ મોદીની કંપની વેદાંત શેરબજારમાં લિસ્ટ થઈ હતી.
26,880 કરોડની છે નેટવર્થ
ફોર્બ્સ અનુસાર, રવિ મોદીની કુલ સંપત્તિ 3.2 બિલિયન ડોલર એટલે કે 26,880 કરોડ રૂપિયા છે અને તેઓ ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં 96માં નંબર પર છે. IIFL હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં મોદી સૌથી ઝડપી કમાણી કરનાર બિઝનેસમેન હતા. ખાસ વાત એ છે કે રવિ મોદીએ પોતાનો બિઝનેસ વધારવા માટે લોન લીધી નથી. બિઝનેસમાંથી કમાયેલા પૈસાનું રોકાણ કરીને તેમણે પોતાનું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું છે.
વિરાટ-અનુષ્કાને બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર
2016માં વેદાંત ફેશને વિરાટ કોહલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. ત્યારબાદ કંપનીએ અભિનેત્રી અનુષ્કા શર્માને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને મહિલાઓ માટે બ્રાન્ડ મોહે લોન્ચ કરી. બાદમાં ત્વમેવ અને મંથન બ્રાન્ડ પણ લોન્ચ કરવામાં આવી હતી. રણબીર સિંહ અને આલિયા ભટ્ટ પણ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે.