Surat Corporation : સુરત પાલિકાના અડાજણ વિસ્તારની પાલિકાની શાળાના રિહેબિલિટેશનની કામગીરી દરમિયાન પણ શાળાના વર્ગ ચાલુ રાખવામાં આવે છે. શિક્ષણ સમિતિની આ ગંભીર બેદરકારીને કારણે રાંદેર ઝોન દ્વારા શાળાના મુખ્ય શિક્ષકને નોટિસ આપીને શાળા શિફ્ટ કરવા જણાવ્યું છે. જોકે, આટલી ગંભીર સ્થિતિ છતાં હજુ પણ શાળા દ્વારા સ્થળાંતર માટે સમયની માંગણી કરવામાં આવી છે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અડાજણ વિસ્તારમા આવેલી શાળા ક્રમાંક 88 ના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સામે પ્રશ્ન હતો. પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં શાળા ક્રમાંક 88 આવી છે. આ શાળામાં જર્જરિત સ્ટ્રકચર છે તેને દુર કરીને રિહેબિલિટેશન કરવા માટે કન્સલ્ટન્ટ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જેના માટે 1.03 કરોડનો અંદાજ મંજુર કર્યા બાદ હાલમાં રિહેબિલિટેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ સમિતિની શાળા નંબર 88 કંચનલાલ મામાવાળા શાળામાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની કામગીરી ચાલે છે જેમાં ફાયર સેફટીના સાધનો રેઢિયાર હાલતમાં પડ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ પાલિકા તંત્ર પણ જાગ્યું છે. પાલિકાના રાંદેર ઝોન દ્વારા શાળાના આચાર્યને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં જણાવાયું છે કે, હાલ સ્થળ પર સ્ટ્રકચરલ રિહેબિલિટેશન કામગીરી પ્રગતિ હેઠળ છે. સદર સ્ટ્રકચરલ રિહેબિલિટેશન કામગીરી દરમિયાન હાલમાં શાળામાં બાળકોનો અભ્યાસ પણ ચાલુ રાખવામાં આવેલ છે.
રિહેબિલિટેશનની કામગીરી ચાલુ હોય તેના કારણે શાળામાં ફાયર સેફટીના સાધનો નડતરરૂપ હોય, તેમને ફરી ઉપયોગમાં લઈ શકાય તે મુજબ દૂર કરવામાં આવ્યા છે. આવા સમયે જો કોઈ દુર્ઘટના થાય કે આગ લાગે તો જાન હાની થાય તેવી શક્યતા છે. ફાયર સેફટીના અભાવને કારણે કોઈ મોટી દુઘર્ટના ન ઘટે તથા બાળકો સાથે કોઈ જાનહાનિની ઘટના ન બને તેની સાવધાની રૂપે શાળાને ખાલી કરાવવા તથા બાળકોનો અભ્યાસ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા જણાવવામાં આવે છે તેવું નોટિસમાં જણાવ્યું છે. જોકે, નોટિસ આપ્યા બાદ પણ હજુ સુધી શાળાને ખસેડવામાં આવી નથી અને વધુ સમય માંગવામાં આવી રહ્યો છે. જો આ સમય દરમિયાન કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની તે ચર્ચાનો વિષય બન્યો છે.