Surat News: સુરતમાં RTE હેઠળ ખોટા પુરાવા, 68 વાલી પર ફોજદારી ગુનો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Surat News: દેશભરમાં RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ દરેક બાળકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુસર સરકાર દ્વારા 25 ટકા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બાળકોની ફી સરકાર ચૂકવે છે. પરંતુ, અનેક વાલીઓ દ્વારા ખોટા પુરાવા રજૂ કરી પોતાના બાળકોનું એડમિશન મેળવવાના કારણે અનેક જરૂરિયાતમંદ બાળકો પોતાના અધિકારથી વંચિત રહી જાય છે. હાલ, સુરત શિક્ષણાધિકારી દ્વારા આવા વાલીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરતમાં ખોટા આવકના દાખલા બનાવી ગેરકાયદે બાળકોનો પ્રવેશ મેળવનાર 100 જેટલાં વાલીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાંથી 68 વાલીઓ સામે DEO દ્વારા ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

- Advertisement -

સુરત શહેરમાં આવકના ખોટા પુરાવા રજૂ કરી પોતાના બાળકોનો આરટીઆઈ અંતર્ગત શાળામાં પ્રવેશ અપાવવાના મુદ્દે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખોટા આવકના પુરાવાના આધારે એડમિશન મેળવનારા 100 જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. જેમાંથી 68 વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને 32 વિદ્યાર્થીના વાલીઓને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા છે.

આવકના દાખલામાં લખાવી ખોટી આવક

- Advertisement -

નોંધનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતાં સામે આવ્યું કે, અનેક વાલીઓ પોતે લખપતિ હોવા છતાં આવકના દાખલામાં ઓછી કિંમત લખાવી હતી. તપાસમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલાં વિદ્યાર્થીના વાલી નિયત આવક મર્યાદા કરતાં વધુ કમાણી ધરાવતાં હતાં. જેમાંથી કેટલાંક વાલી 74 લાખની હોમલોન ભરી રહ્યા છે. ત્યારે કેટલાંક વાલીઓ સાડા ચાર લાખ રૂપિયાનું રિટર્ન ભરી રહ્યા છે. પરંતુ, આવકના દાખલામાં પોતાની આવક ઓછી દર્શાવી ગેરકાયદે પોતાના બાળકોનું એડમિશન લઈ લીધું છે.

અધિકારીઓ સામે ક્યારે થશે કાર્યવાહી?

- Advertisement -

DEO દ્વારા શાળાઓને પણ આદેશ કરવામાં આવ્યો છે કે, જો આવી કોઈપણ ઘટના સામે આવે તો તુરંત શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવું. જોકે, અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભ્રષ્ટ અધિકારીઓ સામે ખોટા દસ્તાવેજ બનાવવા મુદ્દે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આ સિવાય જે 100 જરૂરિયામંદ બાળકો હતાં જે આ ભ્રષ્ટાચારના કારણે RTE હેઠળ પ્રવેશ ન મેળવી શક્યાં તેમના બંધારણીય અધિકારના હનનનું વળતર કોણ ચૂકવશે? અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે હવે RTE ની આ 100 જગ્યા ખાલી રહેશે અને જે ખરેખર આ યોજના હેઠળ શિક્ષણના હકદાર હતાં તે પણ વંચિત રહી ગયાં. શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે જ દસ્તાવેજ યોગ્ય રીતે ચકાસવામાં કેમ નથી આવતા? ભ્રષ્ટ અધિકારીઓના કારણે ક્યાં સુધી આ બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહેશે?

Share This Article