Taiwan Work Visa For Indians: હાલમાં, કુશળ ભારતીય કામદારો માટે H-1B વિઝા પ્રોગ્રામને લઈને અમેરિકામાં હોબાળો ચાલી રહ્યો છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ માંગ કરી છે કે H-1B વિઝા પ્રોગ્રામ બંધ કરવો જોઈએ કારણ કે અમેરિકનો નોકરીઓ ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકામાં નોકરી શોધી રહેલા ભારતીય કુશળ કામદારો ટેન્શનમાં છે. જો કે, એક તરફ અમેરિકા કુશળ કામદારો માટે દરવાજા બંધ કરી રહ્યું છે, તો બીજી તરફ એક દેશ તેના દરવાજા ખોલી રહ્યો છે.
તાઈવાન ભારતીય સ્કિલ્ડ વર્કર્સને નોકરી માટે આકર્ષિત કરવા બે નવા વિઝા પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે. તેનો હેતુ ટેકનોલોજી અને ઇજિનિયરિંગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ખાલી જગ્યાઓને ભરવાનો છે. તાઈવાન સરકારની આ પહેલ સ્કિલ્ડ વર્કર્સની વધતી માંગને પૂરી કરવા લાવવામાં આવી છે. સરકાર ઈચ્છે છે કે ભારતીય વર્કર્સ તાઈવાન આવીને ત્યાંની વર્કફોર્સમાં વધારો કરે, જેનાથી આર્થિક વિકાસ થઈ શકે. જોકે, આ પ્રોગ્રામ ક્યારે શરૂ થશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
બે વિઝા પ્રોગ્રામ કેવા હશે?
તાઈવાન દ્વારા શરૂ કરવામાં આવેલો પહેલો પ્રોગ્રામ ‘એમ્પ્લોયમેન્ટ સીકિંગ વિઝા’ છે. આ વિઝા દ્વારા, ભારતીય કામદારો તાઈવાન જઈ શકશે અને તેમના અભ્યાસ અથવા નોકરી સંબંધિત ક્ષેત્રોમાં રોજગારની તકો શોધી શકશે. સરળ ભાષામાં, લોકો પાસે તાઈવાન જઈને નોકરી શોધવાનો વિકલ્પ હશે. આ વિઝા ભારતીયોને તાઇવાનના જોબ માર્કેટ વિશે જાણવાની તક આપે છે, ત્યારબાદ તેઓ કોઈ એક નોકરી પસંદ કરી શકે છે. આ વિઝા તે લોકો માટે શ્રેષ્ઠ છે જેઓ કારકિર્દી બદલવા માંગે છે.
બીજો પ્રોગ્રામ ‘તાઈવાન એમ્પ્લોયમેન્ટ ગોલ્ડ કાર્ડ’ છે, જે ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોને વધુ વિકલ્પો આપે છે. ગોલ્ડ કાર્ડ તરીકે ઓળખાતા આ એક વિઝામાં વર્ક પરમિટ અને રેસિડન્ટ પરમિટ બંને શામેલ છે, જે ભારતીયો માટે તાઈવાનમાં રહેવું અને કામ કરવું સરળ બનાવવા માટે ડિઝાઇન કરાયું છે. આ વિઝા ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. ગોલ્ડ કાર્ડ તેમના માટે ઉત્તમ વિકલ્પ છે, જે તાઈવાનમાં વસવાટ કરવા અને આર્થિક વિકાસમાં યોગદાન આપવા ઇચ્છે છે.
વિઝાની વિગતો ક્યાંથી મળશે?
તાઇવાનમાં નોકરીની વિચારણા કરતા લોકો તાઇવાનના બ્યુરો ઓફ કોન્સ્યુલર અફેર્સ અને નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની અધિકૃત વેબસાઇટ્સ પર વિઝા આવશ્યકતાઓ અને અરજી પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવી શકે છે. આ પ્લેટફોર્મ એમ્પ્લોયમેન્ટ સીકિંગ વિઝા અથવા તાઈવાન એમ્પ્લોયમેન્ટ ગોલ્ડ કાર્ડ માટે અરજી કરવા માટેની માર્ગદર્શિકા પ્રદાન કરે છે. જો તમને તાઈવાનમાં કામ કરવામાં રસ છે, તો તમે આ વેબસાઈટ પર જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.