Bihar Crime: બિહારમાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા કરી દેવાયાનો મામલો સામે આવ્યો છે. ખગરિયા જિલ્લાના બેલદોરથી જદયુના ધારાસભ્ય પન્નાલાલ સિંહ પટેલના ભાણેજ કૌશલ સિંહની બુધવારે સાંજે બદમાશોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના ચૌથમ પોલીસ સ્ટેશનની હાદમાં આવતા ગોડાઉન નજીક બની હતી.
હત્યાનું કારણ શું?
મૃતકની ઓળખ જેડીયુના જિલ્લા મહાસચિવ કૌશલ સિંહ તરીકે થઇ હતી. હત્યાનું કારણ પારિવારિક વિવાદ મનાઈ રહ્યું છે. ઘટના બાદ એસ.પી.એ નેક્ટર હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી. કૌશલ સિંહની પત્નીનું કહેવું છે કે હું અને મારો પતિ બાઈક પર ગોડાઉન જઇ રહ્યા હતા. તે સમયે નેશનલ હાઈવે નંબર 107 પર મારા પતિનો ભત્રીજો ત્યાં આવી પહોંચ્યો અને તેણે સીધી ગોળી ધરબી દીધી.
ઘટના બાદ તાત્કાલિક ધોરણે કૌશલ સિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ સારવાર વચ્ચે તેમને મૃત જાહેર કરી દીધો હતો. ઘટના બાદ એસપી ખુદ નેક્ટર હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.