ભુજ, તા. 6: ઓનલાઈન લુખ્ખાગીરીના બનાવો વધી ગયા છે. ગમે તે રીતે લોકોને પોતાની જાળમાં સપડાવી રહ્યા છે. માધાપરની ગૃહિણીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા બાદ ધીરે ધીરે જાળમાં સપડાવી તમારા પાર્સલમાં ડ્રગ્સ – ડોલર અને નકલી પાસપોર્ટ મળ્યાનું જણાવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલતાં હોવાનો ડારો આપી ઓનલાઈન રૂા. 96,776ની છેતરપિંડી થઈ હતી. જો કે, સાયબર ક્રાઈમ સેલ (એલસીબી)એ એ ફ્રિઝ કરાવી પરત અપાવ્યા હતા.
આ આંખ ઉઘાડનારા કિસ્સાની સિલસિલાવાર વિગતો મુજબ માધાપરના ગૃહિણી માનવીબેનને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, ફેડ-એક્સ કુરીયરમાંથી તમારું પાર્સલ પરત થયું છે. જો તમે કસ્ટમર કેરથી વાત કરવા માંગતા હોવ તો બે દબાવો આથી ગૃહિણીએ બે દબાવતા કસ્ટમર કેરવાળાએ જણાવ્યું કે, તમારું પાર્સલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા પકડાયેલ છે અને તે પાર્સલમાં એમ.ડી. ડ્રગ્સ, હાર્ડડ્રાઈવ, ડોલર તથા નકલી પાર્સપોર્ટ છે અને આ બાબતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં એફ.આઈ.આર. દાખલ થઈ છે અને જણાવ્યું કે, આ પાર્સલ તમે મંગાવ્યું ન હોય તો તમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને રૂબરુ રજૂઆત કરી શકો છો. થોડી જ વાર બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામથી એક ઈસમે માનવીબેનને ફોન કરી જણાવીએ તેઓ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બોલે છે. સ્કાય-પે પર વીડિયો કોલમાં પોતે અધિકારી હોવાનું ખોટું આઈકાર્ડ તથા બનાવટી એફઆઈઆર બતાવી અને કહ્યું કે, આ પાર્સલ તમારા નામે ઈરાનના શેખે મોકલ્યું છે, જેમાં ડ્રગ્સ, નકલી પાસપોર્ટ વિગેરે છે. આથી ગૃહિણી ડરી ગયા હતા.
આ બાદ સામેવાળાએ ગૃહિણીને એક પત્ર મોકલાવ્યો હતો જેમાં એફ.આઈ.આર.ની કોપી બનાવી હતી. અને સામેવાળાએ જણાવ્યું કે, જો તમે કોઈ ક્રાઈમ ન કર્યું હોય તો પત્રમાંના એકાઉન્ટ નંબર પર તમે રૂા. 96,776 મોકલાવો જેથી તમારા ખાતાની વિગતો ચકાસી લઈએ અને બાદ પંદર મીનીટમાં જ રૂપિયા પરત ખાતામાં આપી દઈશું. આથી ગૃહિણીએ ડરમાં નાણા મોકલી દીધા. આ બાદ વધુ નાણા માંગતા ફ્રોડ થતું હોવાનું ધ્યાન આવતા તુરંત પતિને ફોન કરી જણાવતાં તેઓએ તરત સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરતા સેલ ભોગ બનનારને મદદરૂપ થઈ તાત્કાલિક પત્રવ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારે ગુમાવેલી પૂરે-પૂરી રકમ તેમના ખાતામાં પરત અપાવી હતી.
અત્રે નોંધનીય છે કે, આવા ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં નાણાં જેના ખાતામાં ગયા હોય અને ત્યાંથી અનેક ઉથલપાથલ થાય તે પૂર્વે જ વહેલી તકે સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના વધી જાય છે. આથી સેલ વહેલીતકે સંપર્ક કરવું જરૂરી છે. દરમ્યાન આવા કિસ્સામાં આરોપી ઝડપાતા હોવાના ભાગ્યે જ કોઈ કિસ્સા સામે આવ્યા છે. આથી આવી છેતરાપિંડીનો ભોગ ન બનાય તે માટેની સલામતીનો ઉપાય સજાગતા જ છે.