મુંબઈ, 7 ડિસેમ્બર: મુંબઈ પોલીસને શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીનો સંદેશ મળ્યો હતો. એક અધિકારીએ આ માહિતી આપી.
અધિકારીએ કહ્યું કે જે નંબર પરથી આ મેસેજ મોકલવામાં આવ્યો હતો તે રાજસ્થાનના અજમેરમાં ટ્રેસ કરવામાં આવ્યો છે અને શંકાસ્પદની ધરપકડ કરવા માટે પોલીસની એક ટીમ તાત્કાલિક ત્યાં મોકલવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન પર વહેલી સવારે મળેલા વોટ્સએપ મેસેજમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ‘આઈએસઆઈ’ના એજન્ટનો ઉલ્લેખ કરીને મોદીને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ કરવાના કાવતરાની વાત કરવામાં આવી હતી.
અધિકારીએ કહ્યું કે તપાસ અધિકારીઓને શંકા છે કે મેસેજ મોકલનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હતો અથવા દારૂના નશામાં હતો. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે.
ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈનને ભૂતકાળમાં ઘણી વખત નકલી ધમકીભર્યા સંદેશા મળ્યા છે.