માતા-પિતા અને સ્મિત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સુરતના સરથાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા સ્મિત જિયાણી નામના યુવકે તેના માતા-પિતા, પત્ની અને બાળક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પોતાને ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં તેની પત્ની અને પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે માતા-પિતા અને યુવક પોતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવની જાણ થતા સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે, સૂર્યા ફ્લેટ, 8મા માળે, મકાન નંબર 804માં સ્મિતે તેના પિતા લાભુભાઈ અને માતા વિલાસબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત અને પોતાને તિક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો. પિતા, માતા, પત્ની અને પુત્ર પર હુમલો કર્યો અને બાદમાં પોતાના ગળા પર હુમલો કર્યો. જેમાં પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માતા-પિતા અને સ્મિતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સરથાણા પોલીસે તપાસ કરતાં તેમને જાણવા મળ્યું કે સ્મિતના મોટા કાકાનું સાત દિવસ પહેલા અવસાન થયું હતું અને પરિવારજનો ત્યાં દુઃખમાં સહભાગી થવા ગયા હતા. ત્યાં તેને તેના પિતરાઈ ભાઈ સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો અને તેણે તેને ફરીથી ન આવવા કહ્યું હતું. જેનું સ્મીતને ખરાબ લાગ્યું. આથી આજે સવારે તેણે પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો અને ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.