રૂપિયા. ૬.૬૬ લાખ રૂપિયાના ડ્રગ્સ જપ્ત
વડોદરામાં મેફેડ્રોન ડ્રગ્સનો વધુ એક જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ડિલિવરી મેનની ધરપકડ કરી છે અને તેની માહિતીના આધારે રાજસ્થાનમાં સપ્લાયરની શોધ કરી રહી છે. SOG ટીમને માહિતી મળી હતી કે ડભોઈ રોડ પર વુડામાં એક મકાનમાં ભાડે રહેતા અશોક મેઘવાલ રાજસ્થાનથી પાર્ટી ડ્રગ તરીકે ઓળખાતા મેફેડ્રોનનો મોટો જથ્થો મંગાવ્યો હતો અને તે ડિલિવરી કરાવી રહ્યો હતો. આ માહિતીના આધારે, SOG ટીમે કપૂરાઈ ચોક પાસે દેખરેખ રાખી હતી.
પોલીસે શંકાસ્પદ હાલતમાં જોવા મળતા અશોક મહિપાલ મેઘવાલની અટકાયત કરી હતી અને તપાસ કરતાં તેની પાસેથી 6.66 લાખ રૂપિયાની કિંમતનું 66 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે તેની પાસેથી તેનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી કાલુ દ્વારા મોકલવામાં આવ્યું હતું અને તે તાંદલજા વિસ્તારની રહેવાસી નીલોફર સલમાનને આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યા બાદ, બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.