Shreyas Talpade Fraud Case: બોલીવુડના જાણીતા કલાકાર શ્રેયસ તલપડે અને આલોકનાથ વિરુદ્ધ કરોડો રુપિયાના ફ્રોડ મામલે ફરિયાદ નોંધાઈ છે. શું છે સમગ્ર મામલો જાણો વિગતવાર.
બોલીવુડ એક્ટર શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત 13 લોકો વિરુદ્ધ ફ્રોડનો મામલો નોંધાયો છે. આ એફઆઇઆર હરિયાણાના સોનીપત જિલ્લાના મુરથલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ એફઆઈઆર સોનીપત નિવાસી વિપુલ અંતિલ નામના વ્યક્તિએ કરી છે. સમગ્ર મામલો ઈન્દોરમાં રજીસ્ટર્ડ એક કંપની સાથે સંબંધિત છે. આ કંપની 50 લાખથી વધુ લોકોના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે.
ઇન્દોરમાં રજીસ્ટર્ડ કંપની હ્યુમન વેલ્ફેર ક્રેડિટ કોપરેટીવ સોસાયટીના પ્રમોશનમાં મરાઠી એક્ટર શ્રેયસ તલપડે અને બોલીવુડ એક્ટર આલોકનાથ જોડાયા હતા. તેમણે લોકોને આ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાની અપીલ કરી હતી. આ કંપનીની ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે સોનુ સુદ પણ હાજર હતો. હવે આ કંપની લોકોના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ચૂકી છે.
પોલીસમાં નોંધાયેલી એફઆઇઆર અનુસાર હ્યુમન વેલ્ફેર ક્રેડિટ કોપરેટીવ સોસાયટી કંપનીએ છ વર્ષ પહેલાં લોકો પાસેથી પૈસા લીધા હતા. આ કંપની દ્વારા ફિક્સ ડિપોઝિટ અને અન્ય જગ્યાએ રોકાણના માધ્યમથી લોકોને ભારે રિટર્ન મળશે તેઓ વાયદો કર્યો હતો. કંપનીએ મોટી મોટી હોટલમાં સેમિનાર કરી તેમાં કલાકારોને બોલાવીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો. કંપનીએ બોલિવૂડના કલાકારો પાસે પ્રમોશન કરાવ્યું હતું અને લોકોને ઇન્વેસ્ટ કરવા માટે અપીલ કરી હતી.
શરૂઆતમાં કંપનીએ લોકોને વળતર પણ આપ્યું પરંતુ જ્યારે કંપનીમાં કરોડો રૂપિયા જમા થઈ ગયા તો કંપનીના સંચાલકો કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયા. જ્યારે લોકોએ પૈસા પરત માંગ્યા તો કંપનીના અધિકારીઓએ ફોન બંધ કરી લીધા. હવે કંપનીના એજન્ટોએ 250 થી વધુ સુવિધા કેન્દ્ર પણ બંધ કરી દીધા છે.. આ મામલે એફઆઇઆર નોંધવામાં આવે છે જેમાં શ્રેયસ તલપડે અને આલોકનાથ સહિત 11 લોકોના નામ છે.