Love & War vs Toxic: યશ અને કિયારાની ‘ટોક્સિક’ ફિલ્મના સર્જકોએ આ ફિલ્મ આગામી વર્ષે ૧૯મી માર્ચે રીલિઝ કરવાની જાહેરાત કરતાં ટ્રેડ વર્તુળોમાં આશ્ચર્ય છવાયું છે. આ જ દિવસે વિક્કી કૌશલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ રીલિઝ કરવાની જાહેરાત અગાઉ થઈ ચૂકી છે. આમ, બેમાંથી એકેય ફિલ્મ સર્જક પીછેહઠ નહિ કરે તો આ બે મોટી ફિલ્મો ટિકિટબારી પર ટકરાશે. આ દિવસો દરમિયાન ઈદ, ગુડી પડવા તથા સાઉથમાં ઉગાડી સહિતના તહેવારો હોવાથી ફિલ્મ સર્જકો રજાઓના આ દિવસોને એન્કેશ કરાવી લેવા માટે તત્પર છે.
જોકે, ટ્રેડ વર્તુળો માને છે કે આ નિર્ણયથી બંને ફિલ્મોને નુકસાન થઈ શકે છે. ‘લવ એન્ડ વોર’ને સાઉથમાં ધાર્યું કલેક્શન નહિ મળે. બીજી તરફ ‘કેજીએફ’ સીરિઝથી યશ હિંદી બેલ્ટના દર્શકોમાં જાણીતો બની ચૂક્યો હોવા છતાં પણ તેને નોર્થ તથા વેસ્ટર્ન ઈન્ડિયામાં કલેક્શન મેળવવામાં તકલીફ મળશે.
આ દિવસોમાં બંને ફિલ્મો વચ્ચે મહત્તમ સ્ક્રીન્સ મેળવવાની પણ હરીફાઈ થશે.
‘લવ એન્ડ વોર’ જૂની હિંદી ફિલ્મ ‘સંગમ’ની રીમેક હોવાનું કહેવાય છે. બીજી તરફ ‘ટોક્સિક’ યશની સ્ટાઈલ પ્રમાણેની એક્શન ફિલ્મ છે. તેમાં તેની સાથે કિયારા અડવાણી ઉપરાંત નયનતારા, તારા સુતરિયા, હુમા કુરૈશી સહિતના કલાકારો છે.