Marco movie: ભાગ્યે જ બનતી એક ઘટનામાં સેન્સર બોર્ડે મૂળ મલયાલમ ફિલ્મ પણ હિંદી ડબિંગ સાથે પણ રીલિઝ થયેલી ‘માર્કો’ ફિલ્મને ટીવી પર દર્શાવાવની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે. સાથે સાથે સેન્સર બોર્ડે કેન્દ્ર સરકારને આ ફિલ્મને ઓટીટીનાં કોઈપણ પ્લેટફોર્મ પર દર્શાવાતી અટકાવવા પણ ભલામણ કરી છે.
ઉન્ની મુકુંદનની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ હિંદીમાં પણ ડબ કરાઈ હતી અને મારધાડનાં દ્રશ્યના કારણે તે ઉત્તર ભારત તથા મધ્ય ભારતના હિંદી બેલ્ટના થિયેટરોમાં પણ હિટ થઈ હતી.
સેન્સરના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં વધુ પડતી હિંસા છે. તે પરિવાર સાથે બેસીને તથા ખાસ કરીને બાળકો સાથે બેસીને જોઈ શકાય તેવી નથી. આ ફિલ્મ થિયેટરમાં આવી ત્યારે પણ હિંસક દ્રશ્યોને કારણે તેને એ સર્ટિફિકેટ અપાયું હતું. પરંતુ, કોઈ ટીવી ચેનલ કે ઓટીટી પ્લેટફોર્મ પર તે ઉપલબ્ધ હોય તો ઘરનાં બાળકો પણ આ ફિલ્મ જોઈ શકે છે જે હિતાવહ નથી. ફિલ્મ ઓલરેડી એક ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ ચૂકી છે.
સેન્સર બોર્ડના કેરળના રિજિયોનલ ઓફિસર નદીમ તુફાલીએ કન્ફર્મ કર્યું હતું કે આ ફિલ્મના ટીવી રાઈટ્સ વેચાતા અટકાવાયા છે.