Salman Sikandar flop: સલમાનની ‘સિકંદર’ બોક્સ ઓફિસ પર ફલોપ જતાં તેની કેરિયર પર પ્રશ્નાર્થ છવાયો છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર સલમાનની નવી ફિલ્મોને હવે ફાઈનાન્સ મળવું મુશ્કેલ થઈ જશે.
સલમાનની ફિલ્મ ઈદ વખતે રીલિઝ થાય એટલે સુપરહિટ જ હોય તેવું સમીકરણ અત્યાર સુધી મનાતું હતું. પરંતુ, ‘સિકંદર’માં તો શો કેન્સલ કરવાની નોબત આવી છે. આ નિષ્ફળતાને કારણે સલમાન માટે હવે ફરી બેઠા થવાનું મુશ્કેલ બની ગયું છે.
સલમાન સાથેની દિગ્દર્શક એટલીની એક ફિલ્મ તો અગાઉ જ બજેટના મુદ્દે કોરાણે મૂકાઈ ગઈ છે. તેલુગુના અન્ય એક દિગ્દર્શક હરીશ શંકર સાથે એક બિગ બજેટ ફિલ્મની વાત ચાલતી હતી તે પણ હવે ઠંડી પડી ગઈ છે.
‘સિકંદર’માં સલમાનના ચાહકોએ પણ નોંધ્યું છે તે બહુ થાકેલો લાગે છે. તેનામાં પહેલાં જેવી ઊર્જા જણાતી નથી. તે પરાણે એક્ટિંગ કરતો હોય કે ડાયલોગ બોલતો હોય તેવું લાગે છે.
તેનું આ પરફોર્મન્સ જોતાં બહારના ડાયરેક્ટરો તેને કાસ્ટ કરતાં પહેલાં બે વાર વિચારશે તેમ ટ્રેડના વર્તુળોએ કહ્યું હતું.