Sikandar movie remake: સલમાન ખાનની ‘સિકંદર’ ફિલ્મ વાસ્તવમાં સાઉથમાં થલાપતિ વિજયની મૂખ્ય ભૂમિકા સાથે બની ચૂકેલી ‘સરકાર’ની રીમેક હોવાનો દાવો થઈ રહ્યો છે. ફિલ્મના દિગ્દર્શક એ.આર. મુરગાદોસે આ દાવો ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે થલાપતિ વિજયની ‘સરકાર’ના ડાયરેક્ટર પણ ખુદ મુરગાદોસ જ હતા. ચાહકો એવું કહી રહ્યા છે કે મુરગાદોસે પોતાની જ ફિલ્મને થોડાક ફેરફારો સાથે હિંદીમાં બનાવી દીધી છે.
મુરગાદોસે એક સંવાદમાં સાફ સાફ જણાવ્યું હતું કે આ ફિલ્મ અન્ય કોઈ ફિલ્મની રીમેક નથી. આ એક બિલકૂલ ફ્રેશ સ્ટોરી છે. જોકે, ચાહકો આ વાત માનવા તૈયાર નથી. ‘સિકંદર’નું ટીઝર રીલિઝ થયું તે પછી સંખ્યાબંધ ચાહકોએ તેની સ્ટોરી લાઈન, સલમાનના પોઝ, બેકગ્રાઉન્ડ વગેરે પરથી આ ફિલ્મ ‘સરકાર’ની જ રીમેક હોવાનો ચુકાદો આપી દીધો હતો. કેટલાક ચાહકોએ તો આકરી ભાષામાં લખ્યું હતું કે સલમાનને ઓરિજિનલ સ્ટોરી સાથે કોઈ લેવાદેવા જ નથી. તેની ફિલ્મોનો પોતાનો એક અલાયદો ચાહક વર્ગ છે અને તેઓ ફિલ્મમાં સ્ટોરી જેવું કાંઈ ન હોય તો પણ તેની ફિલ્મ જોવા આવતા રહે છે.
સલમાન હાલ તેની કારકિર્દીના નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેની પાછલાં વર્ષોની મોટાભાગની ફિલ્મો ધાર્યા મુજબનો બિઝનેસ લાવી શકી નથી. આથી જ આ વખતે સલમાને ‘સિકંદર’ ફિલ્મ ઈદ વખતે જ રીલિઝ કરવાનું નક્કી કર્યું છે. સલમાનની ઈદ વખતે રીલિઝ થયેલી અનેક ફિલ્મો અગાઉ સુપરહિટ નીવડી ચૂકી છે. જોકે, હવે ચાહકોની જનરેશન બદલાઈ ચૂકી હોવાથી સલમાનની આ કારી આ વખતે પણ ફાવે છે કે કેમ તે અંગે સવાલ છે.