ભારત આજે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. તેમાં સૌથી મોટો ભાગીદાર ગુજરાત જ છે, જેના કારણે ગુજરાતમાં પશુપાલકોની મોટી કમાણી થાય છે. આવી જ રીતે ગુજરાતમાં હવે ગાય અને ભેંસની સાથે-સાથે ગધેડીના દૂધ ઉત્પાદનના ટ્રેંડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા: જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પશુપાલન થકી વર્ષે લાખોની આવક મેળવી રહ્યા છે. ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પાલનપુરના ગઢ ગામના જગદીશભાઈ પટેલે પોતાના ખેતરમાં ડોન્કી ફાર્મ બનાવી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે.
બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામના 45 વર્ષીય જગદીશભાઈ રેવાભાઇ પટેલે માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. વર્ષોથી તેમનો પરિવાર ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે. જગદીશભાઈ પટેલે પશુપાલનમાં કંઈક નવું કરવાનું વિચારી સોશિયલ મીડિયા માધ્યમથી ડોન્કી ફાર્મની જાણકારી મેળવી હતી.
જે બાદ જગદીશભાઈ પટેલે અનેક પશુપાલકો જે ડોન્કી ફાર્મ બનાવી પશુપાલન કરતા હતા. તેમની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવી તેમણે ડોન્કી ફાર્મ બનાવવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેમણે રાજસ્થાનથી ગુજરાતી બ્રીડના એક વર્ષ પહેલા 16 ગધેડી લાવી પોતાના ખેતરમાં ડોન્કી ફાર્મ બનાવ્યું હતું.
ગઢ ગામના જગદીશભાઈ પટેલે રાજસ્થાનમાંથી લાવેલા ગુજરાતી બ્રીડના 16 ગધેડામાં 1 ગધેડાની કિંમત 30 હજાર રૂપિયા છે. જગદીશભાઈ પટેલે પોતાના ખેતરમાં 8થી 10 લાખના ખર્ચે ડોન્કી ફાર્મ બનાવ્યું છે. આ 16 ગધેડીમાંથી 8 જેટલા ગધેડી દૂધ આપે છે. આ 8 ગધેડી રોજનું અંદાજે ત્રણથી ચાર લિટર દૂધ આપે છે. જણાવી દઈએ કે, એક ગધેડી એક દિવસે 350થી 500 ગ્રામ જેટલું દૂધ આપે છે.
માહિતી આપતા જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ દૂધની કિંમત 1 લિટરના 2,500 કરતા વધુ હોય છે. આ દૂધ 2 મહિના સુધી સંગ્રહ કરી શકાય છે. તેને ફ્રીઝમાં માઇન્સ 5 ડિગ્રીમાં સંગ્રહ કરવામાં આવે છે. જગદીશભાઈ પટેલ 1 દિવસનો ગધેડી પાછળ 2500 રૂપિયા ખર્ચ કરે છે, જેમાં ગધેડીને ખોરાકમાં મગફળીની ચાર ,બાજરીના પૂળા ખવડાવે છે.
જગદીશભાઈ ગધેડીના દૂધમાંથી બરોડામાં એક કંપનીમાં પાવડર બનાવડાવે છે. 1 લિટર દૂધ પાછળ 250 રૂપિયા પાવડર બનાવા ખર્ચ થાય છે, જેમાં 1 લિટરમાંથી 60 થી70 ગ્રામ પાવડર બને છે. જગદીશભાઈએ અત્યાર સુધી 50 લિટર દૂધનું બરોડામાં એક કંપનીમાં 12,500 રૂપિયાના ખર્ચે પાવડર બનાવ્યો છે.
જોકે, હજુ સુધી વેચાણ કર્યું નથી. કારણ કે, આ પાવડરની માંગ જથ્થામાં હોવાથી આ પશુપાલક હાલ પાવડરનો સંગ્રહ કરે છે. આ દૂધમાંથી જે પાવડર બને છે. તે પાવડરની કિંમત 1 kgના અંદાજે 30 હજાર રૂપિયા હોય છે. જોકે નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આ પાવડરની કિંમત એક કિલોના 30 હજાર રૂપિયા જેટલી હોય છે. એટલે આ પશુપાલકને ગધેડીના દૂધ થકી લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે.
મહત્વનું છે કે, શરૂઆતમાં જ્યારે જગદીશભાઈએ આ ફાર્મ શરૂ કર્યું તો અનેક પ્રકારની વાતો થતી હતી. જોકે, ધીમે ધીમે હવે ગધેડીના દૂધની કિંમત અને તેની પ્રોડક્ટની કિંમત સમજાતા લોકો હવે આ ફાર્મની મુલાકાત લઈ રહ્યા છે. લોકોની સાથે સરકાર પણ આ નવા પશુપાલનની પહેલની નોંધ લઈ રહી છે. જેથી ખેડૂતોને કોઈ સહકાર મળે તેની અપેક્ષા જોવા મળી રહી છે.