છેલ્લા સાત વર્ષથી ગુજરાતના બોર્ડ-નિગમોમાં નિમણૂંકો ન થતાં ભાજપના કાર્યકરો તો નિરાશ થયા જ છે. પરંતુ ઔડા, વુડા, સુડા, રૂડા, જાડા જેવી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના કામોને લઈને પ્રજા પરેશાન થઈ ગઈ છે. નાગરિકોને સીધો સંબંધ છે તેવા બોર્ડ નિગમોમાં નિમણૂંકો ન થવાના લીધે બધે જ અધિકારીરાજ હાવી થઈ ગયું છે.
ગુજરાત સરકારના ખૂબ જ મહત્વના કહી શકાય એવા 75 જેટલા બોર્ડ-નિગમો છે. જેમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ જેવા સત્તામંડળો, પુરવઠા નિગમ, બિન અનામત આયોગ, ગૌ સેવા આયોગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત બીજ નિગમ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, ઘેટાં અને ઉન વિકાસ નિગમ, ઠાકોર અને કોળી વિકાસ નિગમ, અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગોપાલક વિકાસ નિગમ, ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ જેવા બોર્ડ-નિગમોનો સમાવેશ થાય છે. આ પૈકી અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીઝ, બિન અનામત આયોગ કે એના જેવા બીજા કેટલાક બોર્ડ-નિગમો એવા છે જે પ્રજા સાથે સીધું જ ડીલિંગ કરે છે. અપવાદરૂપ પાંચેક બોર્ડ-નિગમોને બાદ કરતાં બાકીના 70 જેટલા બોર્ડ-નિગમોમાં વર્ષ 2017 પછી કોઈ નવી નિમણૂંક કરવામાં આવી નથી. બોર્ડ-નિગમોના ચેરમેનો, ડિરેક્ટર્સ કે સભ્યોની નિયુક્તિ જ કરવામાં આવી નથી.
2017ની વિધાનસભાની ચૂંટણી, 2019ની લોકસભાની ચૂંટણી, 2022ની વિધાનસભાની ચૂંટણી અને હવે 2024ની લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે છતાં નિમણૂંકો થઈ નથી. છેલ્લા સાત વર્ષથી જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે બોર્ડ-નિગમોમાં નિમણૂંકોની ચર્ચા જોર પકડે, પરંતુ કોઈ પણ કોઈ નિમણૂંક થાય નહિ અને ચૂંટણી પૂરી થઈ જાય. આ નિમણૂંકો ન થવાના લીધે પ્રજાના કામોને માઠી અસર પહોંચી રહી છે. કારણ કે 70 જેટલા બોર્ડ-નિગમોમાં ચેરમેનનો ચાર્જ કોઇને કોઈ અધિકારીને આપેલો છે. એક રીતે કહીએ તો દરેક બોર્ડ -નિગમોમાં અધિકારીરાજ પ્રવર્તી રહ્યું છે. અધિકારીઓને પોતાની મૂળ કામગીરી ઉપરાંત આ વધારાની કામગીરી આવી હોવાથી મોટા ભાગના અધિકારીઓ જરૂર પૂરતી કામગીરી જ કરી રહ્યા છે. જેના લીધે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જ્યારે કોઈ પ્રજાજન પોતાના પ્રશ્નો લઈને આવે ત્યારે અધિકારીઓ તેમાં ગંભીરતાથી રસ લેતા નથી અને નાગરિકોની સમસ્યા ઠેરની ઠેર જ રહે છે.
ખાસ કરીને ઔડા, વુડા, સુડા, કે રૂડા એવી ઓથોરિટી છે જે જે-તે શહેરો અને શહેરોની ફરતે આવેલા વિસ્તારનું ડેવલપમેન્ટ કરે છે. અર્બન ડેવલપમેન્ટ માટે નીતિ-નિર્ધારણ કરતી આ સંસ્થાઓમાં પબ્લિકનો રોલ પણ એટલો જ મહત્વનો છે. તેવા સમયે કોઈ નાગરિકોએ પોતાનો કોઈ પ્રશ્ન લઈને આવવું હોય, કે પ્રજાને સ્પર્શતું કોઈ કામ હોય એમાં ભારોભાર વિલંબ થતો રહે છે. જમીન-મકાન સંબંધીત બાબત હોય ત્યારે ચેરમેન કે ડિરેક્ટર વગર અધિકારીઓ તેના ઉકેલમાં એટલો રસ લેતા નથી. પરિણામે નાગરિકોએ જ ભોગવવાનું આવે છે. આવી જ રીતે લખો પરિવારને દર મહિને અપાતાં રાશન માટેની, વ્યાજબી ભાવની દુકાનની કે પુરવઠાને લગતી અન્ય કોઈ ફરિયાદ હોય તો પુરવઠા નિગમમાં ચેરમેન હોય તો તે તુરંત તેનો ઉકેલ લાવે પરંતુ રાજકીય નિમણૂંક વાળા કોઈ હોદ્દેદાર ન હોવાના લીધે પ્રજાકીય પ્રશ્નો ઉકેલાતા ન હોવાની ફરિયાદો ઉઠી છે.