Ahmedabad News: વીમા ક્લેમને લઈ અમદાવાદની હોસ્પિટલ એસોસિયેશન અને વીમા કંપનીઓ વચ્ચે તીવ્ર ઘમાસાણ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Ahmedabad News: અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના) દ્વારા ટાટા એઆઇજી, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઈન્સ્યોરન્સ ધરાવતી વ્યક્તિઓની કેશલેસ સારવાર છેલ્લા 10 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. ત્રણેય વીમા કંપનીના ક્લેઈમ મેનેજમેન્ટમાં ધાંધિયા, ક્લેઇમ રીજેક્ટ કરવા સહિતની ફરિયાદો મળ્યાનો આહના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આહનાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ત્રણેય વીમા કંપનીઓ દ્વારા કોઇપણ પ્રકારની સૂચના-કોઈપણ પ્રકારની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર અમદાવાદની ઘણી હોસ્પિટલને ડિલિસ્ટ-બાકાત કરી દીધી છે અને જેના પગલે જે દર્દીઓએ આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારવાર લીધી હોય તો તેમને વીમાની રકમ આપવામાં આનાકાની કરવામાં આવે છે.

આહનાને મળી ફરિયાદ

વધુમાં તેમણે ઉમેર્યું છે કે, વધુ નફાખોરીના ભાગરૂપે ત્રણ કે ચાર વર્ષ કરતાં વધુથી હોસ્પિટલ-નર્સિંગ હોમ્સના ચાર્જમાં કોઈ વધારો કરાયો નથી. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થયા બાદ ઓથોરાઇઝેશન લેટર આપ્યો હોવા છતાં ડિસ્ચાર્જ વખતે-ડિસ્ચાર્જ બાદ તે રકમમાં કાપ મૂકી અડધા જેટલી રકમ કાપવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, જેના લીધે દર્દી-હોસ્પિટલ વચ્ચે ગજગ્રાહ થાય છે. ડિસ્ચાર્જ વખતે લાંબા સમય દર્દી તેમજ હોસ્પિટલને રાહ જોવડાવવી, ક્લેઈમ સેટલમેન્ટ સમયે રકમ કાપી લેવી, નોન મેડિકલ વ્યક્તિ દ્વારા અર્થ વગરના પ્રશ્નો ઉભા કરી ક્લેઈમ રિજેક્ટ કરવા જેવી અનેક બાબતોની ઈન્સ્યોરન્સ કંપનીની ફરિયાદ આહનાને મળી છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન-ગુજરાત, અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા લડતને સંપૂર્ણ ટેકો જાહેર કરાયો છે. આ ઉપરાંત અમદાવાદ ફિઝિશિયન એસોસિએશન, અમદાવાદ ઓર્થોપેડિક સોસાયટી, એસોસિયેશન ઓફ અમદાવાદ સર્જન્સ, અમદાવાદ ઈ એન્ડ ટી સર્જન્સ એસોસિયેશન, ગાયનેકોલોજીસ્ટ એસોસિયેશન, વડોદરા-રાજકોટ-ભાવનગરના હોસ્પિટલ એસોસિયેશન-ગુજરાત એસોસિયેશન ઓફ હોસ્પિટલ્સ નર્સિંગ હોમ્સ એન્ડ અલાઇડ હેલ્થકેર સર્વિસિસ દ્વારા ટેકો અપાયો છે.

ઈન્સ્યોરન્સ કંપનીઓએ આહનાના દાવાને ફગાવ્યો 

આહના દ્વારા કરવામાં આવેલી ફરિયાદને ઈન્સ્યોરન્સ કંપનીએ ફગાવી દીધી છે. તેમણે કહ્યું છે કે, ‘અમદાવાદ, વડોદરા, સુરત અને અન્ય જગ્યાએ પણ અમારી કેશલેસ સર્વિસ કોઈ મુશ્કેલી વિના ચાલુ જ છે. અમારા દ્વારા અનેક પ્રયાસ છતાં આહનાએ અમારી સાથે સંવાદ સાધવા હજુ સુધી કોઈ પ્રયાસ કર્યો નથી. તેમના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તે યોગ્ય નથી.’

હોસ્પિટલ એસો.એ વીમા કંપનીને કરેલી રજૂઆત

  • કોઈપણ કપાત વિના સમયસર ચૂકવણી.
  • પ્રે એકિઝસ્ટિંગ કન્ડિશનની જવાબદારી જે-તે ઈન્સ્યોરન્સ કંપનીની રહેશે.
  • ઓથોરાઈઝેશન લેટર પ્રમાણે ચૂકવણું કરવું. ઓથોરાઇઝેશન લેટર જારી કર્યા બાદ કોઇ કપાત કરવી નહીં.
  • હેલ્થ કેર ઈન્ફ્લેશન પ્રમાણે દર વર્ષે આપોઆપ ચાર્જમાં વધારો કરવો..
  • રેટ નેગોસિએશન વખતે ફાર્મસી, કન્ઝયુમેબલ અને ઈમ્પ્લાન્ટ્સમાં ડિસ્કાઉન્ટ માગવું નહીં.
  • હોસ્પિટલ નર્સિંગ હોમ્સને ડિલિસ્ટ.
Share This Article