AMC Turn Off Traffic Signals for 6 Hours: ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું નહીં પડે. કારણ કે, સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
6 કલાક બંધ રહેશે ટ્રાફિક સિગ્નલ
રાજ્યભરમાં વધતી ગરમીને ધ્યાને લઈને અમદાવાદ મનપા એક્શનમાં આવી છે. નાગરિકોને મુશ્કેલી ન પડે અને લાંબા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને તડકામાં લૂ ન લાગે તે માટે સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય BRTS અને AMTS માં મુસાફરી કરનારા લોકોને પણ લૂ ન લાગે અને શરીર હાઇડ્રેટ રહે તે માટે ORS નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય દરેક AMTS અને BRTS ના બસ સ્ટોપ પર પીવાના પાણીની પણ સુવિધા કરવામાં આવી છે, તેમજ મોટા બસ ડેપો પર ગ્રીન નેટ, કૂલર અને પંખાની સુવિધા પણ કરવામાં આવી છે.
શાળાના સમયને લઈને લેવાયો નિર્ણય
નોંધનીય છે કે, હવે ટૂંક સમયમાં શાળામાં ભણતાં બાળકોનું ઉનાળું વેકેશન શરૂ થશે. એવામાં શહેરમાં જ્યારે-જ્યારે રેડ એલર્ટ હશે ત્યારે શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. જેથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગરમીના કારણે બીમાર ન પડે. મનપા દ્વારા તમામ ઝોનમાં રાહદારીઓ માટે પણ 50 પાણીની પરબની સુવિધા કરવામાં આવી છે. તેમજ લોકોને આરામ કરવા માટે બગીચાનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. હવેથી બગીચા સવારના 6 થી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.