Banaskantha News : બનાસકાઠાના કાંકરેજ તાલુકાના ઉંમરી ગામમાં વીજ કરંટ લાગતાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલા અને બે બાળકોને કરંટ લાગતાં ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ખેતરમાં ફુવારો ચાલુ હોવાથી ખેતરમાં કરંટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજના ઉંમરી ગામે ખેતરમાંથી પસાર થતાં હેવી વીજ લાઈનમાંથી કરંટ લાગતાં માતા-પુત્ર અને પાડોશમાં રહેતી એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. ખેતરમાં ઘાસચારો લેવા ગઇ હતી, તે દરમિયાન ખેતરમાં ચાલતા ફુવારાના લીધે ખેતરમાં કરંટ ફેલાતા મહિલા સહિત ખેતરમાં રમી રહેલા બે બાળકો વીજ કરંટની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તો બીજી તરફ ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનોની સલામતીને લઇને ગંભીર સવાલો ઉભા થયા છે. ખેતરોમાંથી પસાર થતી હેવી વીજ લાઇનોની તંત્રની બેદરકારી અને સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભવિષ્યમાં આ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે.