ભાવનગરઃ કોર્ટ અને સરકારના આદેશ બાદ ભાવનગર કોર્પોરેશન અનધિકૃત ધાર્મિક દબાણો હટાવવા હરકતમાં આવ્યું છે. કોર્પોરેશને હવે સત્તાવાર નોટિસ આપી સાત દિવસની મહેતલ આપી છે જેથી દબાણ હટાવ સમયે કોઈ કાર્યવાહી રોકી ન શકે. હાલમાં પ્રથમ તબક્કામાં 75 અનઅધિકૃત ધાર્મિક સ્થળોને હટાવવા માટે નોટિસ ફટકારાઇ છે.
ભાવનગરમાં જાહેર રોડ, સરકારી જમીન, કોર્પોરેશનના પ્લોટ વિગેરે જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ ધાર્મિક સ્થળોને હટાવવા માટે ગૃહ વિભાગ દ્વારા જાન્યુઆરી 2010માં ઠરાવ કર્યો હતો અને ભાવનગર કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવતા કુલ 393 ગેરકાયદેસર ધાર્મિક દબાણો નોંધાયા હતા. કોર્પોરેશન દ્વારા સમયાંતરે 21 દબાણો દૂર કર્યા છે. હજુ પણ 372 ગેરકાયદેસર ધાર્મિક દબાણો યથાવત છે. જોકે સ્થળ પર તાત્કાલિક દબાણો દૂર કરવા જતા લોકોનો પણ વિરોધ ઉઠ્યો છે. જેથી સરકાર દ્વારા અપાયેલી સૂચના બાદ હવે કોર્પોરેશન દ્વારા નોટીસો આપી 7 દિવસનો સમય પણ અપાયો છે. પ્રથમ તબક્કે વિકાસ કામો અને રસ્તામાં નડતરરૂપ હોય તેવા ધાર્મિક દબાણો હટાવવા માટે નોટિસો આપવાનું શરૂ કર્યું છે. જેમાં મધ્ય ઝોનમાં 20, પશ્ચિમ ઝોનમાં 20 અને પૂર્વ ઝોન વિસ્તારમાં 35 મળી કુલ 75 અનઅધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવા માટે નોટિસ આપી સાત દિવસની મહેતલ અપાઈ છે જો સ્વૈચ્છિક નહિ હટાવાય તો કોર્પોરેશન દ્વારા દબાણો તોડી પડાશે.