Dakor and Holi Dhuleti News: રણછોડરાય સોનાની પીચકારીથી ભક્તો સાથે રમ્યાં હોળી, ડાકોરમાં 2 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Arati Parmar
By Arati Parmar 3 Min Read
Dakor and Holi Dhuleti News: હોળી અને ધૂળેટીના પર્વે ડાકોરના ઠાકોરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે. ચાલુ વર્ષે હોળી દહનના દિવસે ડાકોરમાં બે લાખ શ્રદ્ધાળુઓએ રણછોડરાયજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ઠાકોરજીને શ્વેત વસ્ત્રોમાં શણગાર કરી, સોનાની પીચકારી અંગીકાર કરાવી ભક્તો પર છાંટવામાં આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ પદયાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. પરિણામે હંગામી સ્ટોલ્સ ઉભા કરનારા વેપારીઓ સહિતનાને નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગુરૂવારે સવારે ઠાકોરજીને શણગારના ભોગથી હોળીના નવરંગોના ખેલ શરૂ કરવામાં આવ્યા હતા. જે બપોરે પોઢંતા સુધી ચાલ્યા હતા. શ્વેત વસ્ત્રોમાં ઠાકોરજીને શણગાર કરીને સોનાની પીચકારી અંગીકાર કરાવી ભક્તો પર છાંટવામાં આવ્યું હતું. નગરના પ્રવેશથી રણછોડરાયજી મંદિર સુધી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. ફાગણી પૂનમના રોજ ફૂલડોળના દિવસે સંઘો દ્વારા ધજાઓ ચઢાવવામાં આવશે.

જોકે, ચાલુ વર્ષે અગાઉની ફાગણી પૂનમની સરખામણીએ ભક્તોની સંખ્યા ઓછી જોવા મળી હતી. સામાન્ય રીતે દર વર્ષે હોળી દહનના દિવસે 3 થી 4 લાખ ભક્તોનો ધસારો રહેતો હોય છે, ત્યારે ચાલુ વર્ષે ત્રણ દિવસ દરમિયાન ત્રણ લાખથી વધુ દર્શનાર્થીઓ આવ્યાં હતાં. ચાલુ વર્ષે પૂનમ પહેલા અમદાવાદથી ડાકોરનો રૂટ ખાલી થઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. દર વર્ષે અગિયારસથી અમદાવાદથી સંઘો ડાકોર પગપાળા આવવાનું શરૂ કરતા હોય છે. જોકે, આ વર્ષે અમદાવાદથી બહુ મોટા સંઘો નીકળ્યા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ પૂનમ પહેલા અમદાવાદના રૂટ પર ડાકોરથી 12 કિલોમીટર પહેલા મહુધા સુધી રસ્તા ખાલી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

પદયાત્રીઓની સંખ્યામાં ઘટાડો થવા પાછળ ચાલુ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી જ પડી રહેલી કાળઝાળ ગરમી, બોર્ડની પરિક્ષાઓ જવાબદાર પરિબળ માનવામાં આવી રહ્યા છે. ઉપરાંત અગાઉ અડધો કિલોમીટરના અંતરે મંદિર સુધી પહોંચી જવાતું હતું પરંતુ વહીવટી તંત્ર દ્વારા 3 કિલોમીટર ફેરવતા પદયાત્રીઓ કંટાળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ ફાગણી પૂનમે આવતા ભક્તો પૂનમથી પાંચમ સુધી દર્શન કરવા જતાં હોવાનું જાણવા મળ્યું છે.

વેપારીઓ દ્વારા પૂનમની રાહ જોઈને પ્રસાદ, અબીલ-ગુલાલ, પાણી, ચા, નાસ્તાની હંગામી દુકાનો ખોલી હતી. પદયાત્રીઓની સંખ્યામાં ઘટાડો થતાં વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

મંદિર કમિટિ અને વહીવટીતંત્રના આયોજનમાં ખામી હોવાના આક્ષેપ

ડાકોર મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો હોવાના લીધે કેટલાક દર્શનાર્થીઓને બૂટ-ચપ્પલ સાથે ઘુમ્મટમાં દર્શન કરવા મોકલવામાં આવતા કેટલાક શ્રદ્ધાળુઓમાં ડાકોર મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટીતંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. મંદિર કમિટિ અને વહીવટીતંત્રના આયોજનમાં ખામી હોવાના આક્ષેપ શ્રદ્ધાળુઓએ લગાવ્યા હતા.

Share This Article