Deesa Blast Case Banaskantha : બનાસકાંઠાના ડીસામાં 1 એપ્રિલ (મંગળવારે) ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. ડીસાની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક વધ્યો છે. જેમાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત નીપજ્યું હોવાથી કુલ મૃત્યુઆંક 22 પર પહોંચ્યો છે. જ્યારે DNA રિપોર્ટ બાદ 2 મૃતદેહની ઓળખ થઈ છે.
ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં કુલ 22ના મોત
બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21ના મોત નીપજ્યા હતા. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મધ્યપ્રદેશના 23 વર્ષીય વિજય કાજમીનું મોત થતાં મૃત્યઆંક 22 પર પહોંચ્યો છે. જેમાંથી કુલ 19 મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે ડીસા સિવિલમાં રખાયેલા બે મૃતદેહના DNA રિપોર્ટ આવ્યા બાદ મૃતકો લક્ષ્મી અને સંજય નામ હોવાનું સામે આવ્યું છે. જેમાં સંજયના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશ મોકલી અપાયો છે.
આરોપી 8 દિવસના રિમાન્ડ પર
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટની ઘટનાને લઈને પોલીસે ફેક્ટરીના માલિક ખુબચંદ મોનાણી અને તેના પુત્ર દીપક મોનાણી (સિંધી) વિરૂદ્ધમાં સાપરાધ મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો દાખળ કરીને ધરપકડ કરવામાં આવી હતી. આ પછી 3 એપ્રિલ, 2025ના રોજ પોલીસે આરોપીઓ પિતા-પુત્રને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મળતી માહિતી મુજબ, ડીસામાં વિસ્ફોટનો આરોપી દિપક સિંધી ભાજપનો પ્રાથમિક સભ્યો હોવાનું સામે આવ્યું છે. દિપક ડીસા શહેર ભાજપ યુવા મોરચામાં મંત્રી હતો અને વર્ષ 2014-17માં યુવા ભાજપનો મંત્રી પણ રહી ચૂક્યો છે.
તંત્રએ કરાવ્યા અંતિમ સંસ્કાર
ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટનામાં જીવ ગુમાવનારા 18 લોકોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નર્મદા ઘાટ (નેમાવર) પર મૃતદેહોને મુખાગ્નિ આપવામાં આવ્યો હતો. દેવાસના મજૂરોના મૃતદેહ પહેલાં તેમના પૈતૃક ગામ સંદલપુર પહોંચ્યા હતા. ત્યાં અંતિમ દર્શન બાદ તમામ મૃતદેહોને નેમાવર ઘાટ લઇ જવામાં આવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં ગત મંગળવારે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં વિસ્ફોટ થયો હતો, જેથી અનેક મજૂરોના શરીરના અંગ 50 મીટર દૂર ફંગોળાયા હતા. જ્યારે ફેક્ટરીની પાછળ આવેલા ખેતરોમાંથી પણ માનવ અંગ મળી આવ્યા હતા. ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત નીપજ્યા હતા. જેમાં 5થી 8 વર્ષના બાળકો પણ હતા. આ તમામ મધ્યપ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. દેવાસના નેમાવર ઘાટ પર 18 લાશોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.