Deesa Factory Blast: ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃતકોમાં પાંચ જેટલા કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આજે બુધવારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હલ્લાબોલ કરી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સરકાર અને પોલીસની કામગીરીના વિરોધમાં વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર અને સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ સહિતના આગેવાનો જોડાયા હતા. તેઓ મૃતકોના પરિવારજનોને મળવા ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સરકાર સામે ગંભીર આક્ષેપ કરીને ધરણાં બેઠા.
કોંગ્રેસ નેતાઓનો સરકાર પર ગંભીર આક્ષેપ
વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, ‘મૃતકોના પરિવારને મૃતદેહની ઓળખ પણ કરવા દીધી નથી, કેટલાક મૃતકોના પરિવારજનો ડીસા પહોંચે તે પહેલા જ તેમના સ્વજનોના મૃતદેહ મધ્ય પ્રદેશ મોકલી દેવામાં આવ્યા છે.’ જ્યાં સુધી પરિવારની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.
કોઇને બચાવવાનું આ ષડયંત્ર છે?
કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘પરમિશન ન હતી તો ઉત્પાદન કેવી રીતે થયું, મને લાગે છે કે કોઇને બચાવવાનું આ ષડયંત્ર છે. કોઇ મોટા રાજનેતાનો આમાં હાથ છે. આ લોકો લીપાપોતી કરીને મામલો છુપાવી રહ્યા છે. જેના મા-બાપ અને અન્ય સંબંધીઓ અહીં છે તેમની ડેડબોડીને આ રીતે તેમને કહ્યા વિના જ લઇ જાય તે યોગ્ય બાબત નથી. મૃતકના સગા ડેડબોડીને આઇડેન્ટીફાઇ કરે તે પહેલા જ ગુપચુપ રીતે તેને મધ્યપ્રદેશ રવાના શા માટે કરાયા? આની પાછળનું ષડયંત્ર શું છે? કોને બચાવવા માંગે છે સરકાર? આ સવાલોના જવાબ નહીં મળે ત્યાં સુધી અમે વિપક્ષનો ધર્મ નિભાવી અહીં જ ધરણાં કરીશું.’
શું હતી ઘટના?
ગઈકાલે મંગળવારે ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જેમાં 21 શ્રમિકોના મોત થયા હતા. આ કેસમાં પોલીસે ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની (સિંધી) અને તેનો પુત્ર દિપક ખુબચંદ મોહનાની ધરપકડ કરાઈ છે. જેમની સામે સાપરાધ મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.